શિકારપુરના બંધ મકાનમાં ઘૂસી 21 હજારની ચોરી

ગાંધીધામ, તા. 11 : ભચાઉ તાલુકાનાં શિકારપુર ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રૂા. 21,700ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. શિકારપુર ગામમાં રહેતા મૂળ રાપર તાલુકાનાં ડાભુંડા ગામના અલ્પેશ રણછોડ લુહાર સાતમ-આઠમ કરવા પોતાના વતન ગયા હતા. પરિવાર સાથે પોતાના ગામે ગયેલા આ યુવાનના બંધ મકાનમાં તસ્કરોએ ગત તા. 3/9થી 9/9 દરમ્યાન કોઇપણ સમયે ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ફેબ્રિકેશનનું કામ કરનારા આ ફરિયાદી વતનથી પરત આવતાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ફરિયાદીના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. અંદર રહેલા કબાટનું તાળું તોડી તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. 21,700ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. ફરિયાદી યુવાન બહાર ગામ ગયા હોવાનું   જાણનારા તસ્કરો કોઇ જાણભેદુ હોવાની આશંકાનાં પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એલસીબીએ 40 ચોરીના ભેદ ઉકેલી તસ્કર બેલડીની ધરપકડ કરી હતી. તેવામાં અંજારમાં બે બંધ મકાનોમાંથી લાખોની મતાની ચોરી અને હવે શિકારપુરમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ફરી દોડધામ થઇ પડી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer