ભુજના યુવાનના લાપતા થવાના કેસમાં વધુ બે વ્યાજવાળાને ઝડપી પડાયા

ભુજ, તા. 11 : ઊંચા વ્યાજે ખાનગી વ્યક્તિઓ પાસેથી નાણાં લીધા બાદ ધંધામાં તૂટી પડવાથી અને વ્યાજવાળા લેણદારોના ત્રાસથી લાપતા બનેલા અત્રેના બ્રાહ્મણ યુવાન નરેન્દ્ર હર્ષદરાય ઉપાધ્યાયના કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરતાં આ પ્રકરણમાં પકડાયેલા તહોમતદારોનો આંક સાત થયો છે. આઇ.જી. કચેરી ખાતે શરૂ કરાયેલી ચાર જિલ્લાની હેલ્પલાઇનની પ્રથમ બાતમી-ફરિયાદ અન્વયે આ અંગેનો કેસ પઠાણી ઉઘરાણી સાથે ધાકધમકી કરનારા નવ વ્યાજવાળા સામે નોંધાયો હતો. આ અગાઉ આ પ્રકરણમાં પાંચ આરોપીને પકડી પડાયા બાદ આજે વધુ બે તહોમતદાર ભુજના વાલદાસ- નગરમાં રહેતા હિતેશ મધુકાંત શાહ અને ભુજમાં જયનગરમાં રહેતા વિપુલ પ્રફુલ્લભાઇ ભાટિયાની ધરપકડ કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, હિતેશ અને વિપુલને આજે બપોરે પકડાયા હતા. આ પછી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અગાઉ પકડાયેલા પાંચ આરોપી મળી હવે ધરપકડ કરાયેલાઓનો આંક સાત થયો છે. હજુ બે અન્ય તહોમતદાર પકડાવાના બાકી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer