ચંદ્રનગર ગામે વધેલા દારૂના દૂષણથી ગ્રામજનો પરેશાન

નિરોણા (પાવરપટ્ટી), તા. 11 : પાવરપટ્ટીના ચંદ્રનગર ગામે દેશી-અંગ્રેજી દારૂના હદ બહાર વધેલા દૂષણને લીધે ગામજનો પરેશાન બન્યા છે. આ બાબતે પોલીસ તંત્ર પાસે  રજૂઆત કરનારા ગામ અગ્રણીઓને બુટલેગરો દ્વારા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી મળતાં ગામજનોએ આ બાબતે જિલ્લા પોલીસ વડા પાસે લેખિતમાં રજૂઆત કરી ગામમાં દારૂના દૂષણને ડામવા માંગ કરી છે.  તાલુકાની 500 જેટલી વસતિ ધરાવતા આ ગામમાં દેશી-વિદેશી દારૂનો ધંધો બેરોકટોક છે. એટલું જ નહીં, જથ્થાબંધ દેશી દારૂનું ઉત્પાદન કરતા ગામના બુટલેગરોએ આ ધંધામાં ગામનાં નાનાં બાળકોને સાંકળતાં બાળમાનસ પર મોટો ખતરો ઊભો થયો છે. ગામમાં દેશી દારૂના વધેલા દૂષણને લઈ વારંવાર અશાંતિનો માહોલ સર્જાતાં ગામલોકોએ થોડા સમયમાં પહેલાં એકત્ર થઈ ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂ ઉકાળશે કે વેચશે નહીં તેવું નક્કી કર્યું, પણ બુટલેગરો પર કોઈપણ અસર થઈ નથી. એટલું જ નહીં, આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા ગયેલા ગામજનો સામે માથાભારે બુટલેગર ખોટા કેસો ઊભા કરી પરેશાન કરી રહ્યા હોવાનું ગામજનો જણાવે છે. આ બાબતને લઈ ગામજનોની સહીઓ સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા પાસે એક પ્રતિનિધિ મંડળે લેખિતમાં રજૂઆત કરી છે. ગામમાં દારૂના દૂષણને જડમૂળથી નાશ કરવા તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો દ્વારા વારંવાર  થતાં કજિયા-કંકાસને લઈ ગામમાં વેરઝેર વધી રહ્યાં છે તેની સામે પોલીસ દ્વારા તંત્ર લાલ આંખ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ આ રજૂઆતમાં કરવામાં આવી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer