અબડાસા દુષ્કર્મ કેસમાં અંતે પ્રથમ આરોપીને જામીન : નલિયાવાસી મુક્ત

ભુજ, તા. 11 : કચ્છ સહિત રાજ્યભરમાં જે-તે સમયે ભારે ચકચારી બનેલા અબડાસા (નલિયા) સામૂહિક દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ પૈકી અંતે આજે પ્રથમ આરોપી નલિયાના વિનોદચંદ્ર વિશનજી ઠક્કર-ઉર્ફે બબા શેઠને રાજ્યની વડી અદાલત દ્વારા જામીન અપાયા હતા.  ગુજરાત હાઇકોર્ટમાં વિનોદચંદ્ર ઠક્કર માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી ન્યાયાધીશ એસ.એચ. વોરા સમક્ષ થઇ હતી. તેમણે બંને પક્ષને સાંભળી જરૂરી આધાર-પુરાવા તપાસી આરોપીની ભૂમિકા સહિતની બાબતો કેન્દ્રમાં રાખીને જામીન અરજી મંજૂર કરતો હુકમ આજે કર્યો હતો.  ન્યાયાધીશે તેમના આ ચુકાદામાં આરોપીઓ સામે જે આરોપ મૂકવામાં આવ્યા છે તેની વીડિયો ક્લિપ ન મળવા અને ફરિયાદી યુવતી હોસ્ટાઇલ થઇ જવા સહિતની બાબતોને આવરી લેતાં તપાસનીશ અધિકારીની ઝાટકણી પણ કાઢી હતી. આ સુનાવણીમાં આરોપી વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી આશિષ ડગલી રહ્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય રીતે પણ ભારે ચર્ચાના એરણે ચડેલા આ પ્રકરણ વિશે 25મી જાન્યુઆરી-2016ના નલિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. આ પછી ફેબ્રુઆરી મહિનામાં બબા શેઠ અને તેમના પુત્રની મુંબઇથી ધરપકડ કરાઇ હતી. ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. સામૂહિક દુષ્કર્મકાંડમાં કુલ્લ આઠ આરોપીની ધરપકડ કરાઇ હતી, જે પૈકી કોઇને અત્યાર સુધી જામીન મળ્યા ન હતા. ફરિયાદમાં જેમના ઉપર શારીરિક અડપલાંનો આરોપ છે તેવા બબા શેઠ જામીન ઉપર મુક્ત થનારા પ્રથમ તહોમતદાર છે. આ કેસમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સ્તરે આરોપીઓને જામીન ન મળવા સહિતના ઉતાર-ચડાવ પણ આવી ચૂક્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer