મુંદરા પોસ્ટ તંત્રની બલિહારી, એક વર્ષથી ફિક્સ ડિપોઝિટ પાકી પણ રકમ ચૂકવાતી જ નથી
મુંદરા, તા. 11 : પોસ્ટ તંત્રને અપગ્રેડ કરવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે અને પોસ્ટ ઓફિસ અદ્યતન સુવિધા સાથે બેન્કિંગ કામ પણ શરૂ કરશે તેવી મોટી જાહેરાતો વચ્ચે વાસ્તવિક્તા તદ્દન જુદી છે. મુંદરા પોસ્ટ ઓફિસમાં બચત માટે મૂકેલાં નાણાં આઠ આઠ મહિનાથી ધક્કા ખાતા થાપણદારોને કટોકટીના સમયે પણ તેની પાકતી મુદ્દતે રકમ પરત મળતી નથી. 1 વર્ષથી પોસ્ટ માસ્તરની જગ્યા ખાલી છે. થોડા થોડા દિવસે કોઇ ડેપ્યુટેશન માટે જ્યાં-ત્યાંથી કર્મચારીને મુંદરા મૂકવામાં આવે છે, પણ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી મહેકમ ઘટે પોસ્ટ ઓફિસની એક સમયની શાખને છેક તળિયે લાવી દીધી છે. તાજેતરમાં નગરમાં બકાલું વેચતા એક શ્રમજીવીની 5 હજારની એક એવી 4 ફિક્સ ડિપોઝિટ તા. 16/4/18ના પાકી ગઇ. 8 વર્ષ અને 7 માસના અંતે વ્યવહારે એને 40 હજાર રૂા. આપી દેવા જોઇએ, પરંતુ આજે 6 મહિના થયા આ ખોજા શ્રમજીવીને તેની ફિક્સ ડિપોઝિટની રકમ પરત મળતી નથી. સંખ્યાબંધ ધક્કા ખાઇ ચૂકેલા આ શ્રમજીવીએ રૂબરૂમાં આવી ફિક્સ ડિપોઝિટના 4 સર્ટિફિકેટ?રજૂ કરી?જણાવ્યું કે મને પોસ્ટવાળા પૈસા આપતા નથી. અને એક જ જવાબ મળે છે - સાહેબ નથી...સાહેબ આવશે ત્યારે પૈસા મળશે. મને મારા રૂપિયાની સખત જરૂર છે પણ મારા પૈસા મને મળતા નથી. ખોજા શ્રમજીવીની ફરિયાદની તપાસ કરતાં જાણવા મળ્યું કે, છેલ્લા 1 વર્ષથી કોઇના કલેઇમ મંજૂર થયા નથી. એટલે કે ફિક્સ ડિપોઝિટની રકમ મુદ્દત વીતી ગયા પછી છેલ્લા 1 વર્ષ દરમ્યાન કોઇને પોસ્ટ ઓફિસે પાછી આપી નથી. ખાડે પડેલા પોસ્ટના તંત્રની અસર એ થઇ છે કે જે એક સમયે નાણાંના રોકાણ માટે સલામત અને સુરક્ષિત જગ્યા હતી એ પોસ્ટ તંત્રે તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. પરિણામે પોસ્ટ તંત્ર દ્વારા કરવામાં આવતી કરોડો રૂા.ની જાહેરાતો ઉપર પાણી ફરી વળ્યું છે.રિકરિંગ અને એફ.ડી.ના ખાતા અને રકમ ચોથા ભાગ જેટલા થઇ જવા પામ્યા છે. મુંદરાની પોસ્ટ ઓફિસ માત્ર?એક ક્લાર્કથી ચાલે છે. અન્ય કોઇ સ્ટાફ?જ નથી. એજન્ટો મહેનત કરી કરીને ધંધો લઇ આવે છે પણ પોસ્ટના તંત્રને આની કાંઇ પડી જ નથી. વ્યાજના દર ઘટવા છતાં એક વર્ગ હજુ પણ પોસ્ટ ઉપર ભરોસો મૂકે?છે, પરંતુ તંત્ર આ ભરોસાની કસોટી કરવા મેદાને પડયું હોય એવું જણાય છે.