છુટ્ટા કરાયેલા ફિક્સ પગારદારોને પરત લેવાતાં અનેક મુખ મલક્યા

ભુજ, તા. 11 : તાજેતરમાં જ શહેર સુધરાઇના ફિક્સ વેતનધારકોને છુટ્ટા કરવાનો નિર્ણય પરત લેવાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે, આ નિર્ણય પાછળ તહેવારોને કારણભૂત લેખાવાઇ રહ્યો છે. અલબત્ત, પરત લેવાતાં અનેક કામદારોના ચહેરા પર ખુશી ફેલાઇ છે અને  તેમના તહેવાર બગડતાં અટક્યા છે.બે દિવસ પહેલાં જ ભુજ સુધરાઇની સેનિટેશન શાખામાંથી 15 જેટલા ફિક્સ વેતનધારકોને છુટ્ટા કરવાનો નિર્ણય લેવાતાં કર્મચારીઓ નિરાશ થયા હતા અને તહેવારોની ઉજવણી કેમ કરવી તેની વિમાસણમાં મુકાયા હતા. જો કે, ભુજ સુધરાઇના અધિકારી-પદાધિકારીએ તહેવારોને ધ્યાને લઇ માનવતા દાખવી કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો  હતો અને તૈયાર કરાયેલું લિસ્ટ પણ મહેકમ શાખામાંથી પરત મગાવી લેવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે હોય તે પણ પરત કામે ચડતાં કર્મચારીઓના મોઢા મલકાઇ ઊઠયા હતા અને તહેવારની ઉજવણી હસતા ચહેરે કરી શકશે તવી લાગણી કચેરીમાં ફેલાઇ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer