ગાંધીધામમાં હવે મા કાર્ડના કેમ્પોનું આયોજન વધુ સરળ બની રહેશે

ગાંધીધામ, તા. 11 : ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે નિ:શુલ્ક ઉચ્ચત્તમ આરોગ્ય સારવાર આપતી રાજ્ય સરકારની મા કાર્ડ યોજનાનો લાભ સંકુલના ઘણા ખરા રહેવાસીઓ લઈ શકયા નથી. હાલ માત્ર રામબાગ હોસ્પિટલ ખાતે જ આ માટેની કિટ કાર્યરત છે ત્યારે હવે આ માટે વધારાની મોબાઈલ કિટ ફાળવાતાં આ માટેના કેમ્પનું આયોજન સરળ બનશે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી રામબાગ હોસ્પિટલ ખાતે જ બે કિટ મારફતે મા કાર્ડ બનાવાતા હતા.  વધારાની કિટ માટે માગણી કરાઈ હતી. જે અંતર્ગત મોબાઈલ કિટ ફાળવવામાં આવી છે અને તે કાર્યરત પણ કરી દેવાઈ છે. હાલ જો કોઈ સમાજ કે સંસ્થાઓએ કેમ્પ યોજ્યો હોય તો રજાના દિવસે જ આયોજન કરવું પડે. પરંતુ હવે મોબાઈલ કિટ આવી જતાં અઠવાડિયામાં ગમે તે દિવસે કેમ્પનું આયોજન થઈ શકશે. ડો. સુતરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 25થી 30 કાર્ડ  બનાવવાનું આયોજન હોય તો મો. 94090 38095 પર  જાણ કરાતાં જ સંસ્થાઓ દ્વારા આયોજિત કેમ્પના સ્થળે કિટ  મોકલી દેવાશે. શરૂઆતમાં આ યોજના માત્ર બીપીએલ કાર્ડ લાભાર્થીઓ માટે જ હતી, પરંતુ રાજ્ય સરકારે આ યોજનાનો વ્યાપ વધારી આવકમર્યાદા 2.99 લાખ કરી છે તેમજ વરિષ્ઠ નાગરિકો માટેની આવકમર્યાદા 6 લાખ સુધીની કરી છે. જેમાં 5 લાખ સુધીની કેશલેસ સારવાર રાજ્યની આધુનિક હોસ્પિટલોમાં ઉપલબ્ધ થઈ શકે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer