ગાંધીધામ તાલુકામાં 20 હજાર બાળકોનું રસીકરણ બાકી

ગાંધીધામ, તા. 11  તાલકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઓરી-રૂબેલા રસીકરણની બાકી કામગીરી વેગવંતી બને તે     માટે આજે તાલુકા  આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રથ ફેરવવામાં આવ્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે, ગાંધીધામ તાલુકામાં અત્યાર સુધી 64,505 બાળકોના રસીકરણ સાથે 74 ટકા કામગીરી થઈ છે. હજુ 20 હજાર બાળકોનું રસીકરણ બાકી છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા રથ તૈયાર કરાયો છે. તે કિડાણા અને વારંવારના પ્રયત્નો છતાંય સફળતા નથી મળી તેવા કંડલા, મીઠા પોર્ટ, ખારીરોહર, મીઠીરોહર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ફર્યો હતો. શહેરના મહેશ્વરીનગર, સુંદરપુરી, ભારતનગર, આદિપુરના મણિનગર સહિતના વિસ્તારોમાં રથ ફરશે. આ કામગીરીમાં આર.યુ. પટેલ, સિદ્ધરાજ સોલંકી, નીરવ, ઈમરાન ખંડોરી, કાંતિ પરમાર વગેરે સહયોગી બની રહ્યા છે. દરમ્યાન, આગામી તા. 11-9 અને 12-9ના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડે તેમજ અન્ય અધિકારીઓ ગાંધીધામમાં જે સ્કૂલમાં કામગીરી બાકી છે તેની મુલાકાત લઈ કામગીરી પૂરી કરાવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer