ઇંગ્લેન્ડ સામે 521 રનનો `િવરાટ'' પડકાર

ઇંગ્લેન્ડ સામે 521 રનનો `િવરાટ'' પડકાર
નોટિંગહામ, તા. 20 : સુકાની વિરાટ કોહલીની 23મી લાજવાબ સદીથી ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવીને જીતના રાહ પર આગેકૂચ કરી છે. ભારતે ઇંગ્લેન્ડને 521 રનનું લક્ષ્ય આપ્યું છે, જેના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધી 9 ઓવરમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 23 રન બનાવી લીધા હતા. એલિસ્ટર કૂક (9) અને કેટોન જેનિંગ્સ (13) ક્રિઝ પર છે. યજમાન ટીમ હજુ પણ લક્ષ્યથી 498 રન દૂર છે. ભારતે આજે મેચના ત્રીજા દિવસની આખરી અરધા કલાકની રમત બાકી હતી ત્યારે તેનો બીજો દાવ 7 વિકેટે 3પ2 રને ડિક્લેર કર્યો હતો. આથી ઇંગ્લેન્ડને અશક્ય જેવું પ21 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું. પંડયાએ આક્રમક અર્ધસદી કરી હતી. ભારતને 168 રનની સરસાઇ મળી હતી. મેચના હજુ પૂરા બે દિવસ બાકી હોવાથી ભારતને જીતની પૂરી તક છે અને શ્રેણી 2-1થી જીવંત રાખી શકે છે. સુકાની કોહલી પહેલા દાવમાં નર્વસ નાઇન્ટીનો ભોગ બનીને માત્ર 3 રને સદી ચૂકી ગયો હતો, પણ તેણે બીજી ઇનિંગ્સમાં સદી ફટકારીને તેનું અદ્ભુત ફોર્મ જાળવી રાખ્યું હતું. કોહલીએ 197 દડાની ઇનિંગ્સમાં 10 ચોગ્ગાથી જવાબદારીભર્યા 103 રન કર્યા હતા, જ્યારે ફોર્મમાં વાપસી કરનારા ચેતેશ્વર પૂજારાએ 72 રન બનાવ્યા હતા. તેના અને કોહલી વચ્ચે ત્રીજી વિકેટમાં 113 રનની ભાગીદારી થઇ હતી. કોહલીની વિકેટ વોક્સે લીધી હતી. ટેસ્ટ શ્રેણીમાં પહેલીવાર ઇંગ્લેન્ડના બોલરો ભારતીય બેટધરો સામે બેઅસર જોવા મળ્યા હતા. જોકે, ઋષભ પંત માત્ર 1 રને જ એન્ડરસનનો શિકાર બન્યો હતો. પંડયાએ પ2 દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાથી અણનમ બાવન રન કર્યા હતા. આ પહેલાં આજે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે મક્કમ શરૂઆત કરીને ઇંગ્લેન્ડ પર મોટી સરસાઇનો તખ્તો તૈયાર કર્યો હતો. ભારતે આજે તેનો બીજો દાવ બે વિકેટે 124 રનથી આગળ વધાર્યો હતો. ફોર્મમાં વાપસી કરનારા ચેતેશ્વર પૂજારાએ પ્રવાસની તેની પહેલી અર્ધસદી કરી હતી. લંચ સુધી ભારતે આજે કોઇ નુકસાન વહોર્યા વિના ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું હતું. લંચ બાદ પૂજારા 208 દડામાં 9 ચોગ્ગાથી 72 રન કરીને સ્ટોક્સના દડામાં કૂકના હાથે કેચઆઉટ થયો હતો. તેના અને સુકાની કોહલી વચ્ચે ત્રીજી વિકેટમાં 113 રનની શાનદાર ભાગીદારી થઇ હતી. ચાના સમયે ભારતે 3 વિકેટે 270 રન કરી લીધા હતા. આથી ભારત ઇંગ્લેન્ડથી 438 રને આગળ થઇ ગયું હતું. ચાના સમયે કોહલી 93 રને અને રહાણે 17 રને ક્રિઝ પર હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer