પૂરગ્રસ્ત કેરળવાસીઓની મદદે કચ્છ

પૂરગ્રસ્ત કેરળવાસીઓની મદદે કચ્છ
ભુજ, તા. 20 : કુદરતી આફતમાં ફસાયેલા પૂરપીડિત કેરળવાસીઓની મદદ માટે કચ્છ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓએ યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને તેમની ચેમ્બર ખાતે જિલ્લા પંચાયતના વિવિધ સંવર્ગના કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મળેલી બેઠકમાં પૂરગ્રસ્ત કેરળવાસીઓની મદદ માટે યોગદાન આપવા અપીલ કરાતાં ઉપસ્થિત તમામે આ કાર્યમાં સહભાગી થવા સહમતી આપી હતી અને કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે મળેલી સહાયનું ઋણ અદા કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વર્ગ-1ના કર્મચારીઓ રૂા. 2000, વર્ગ-2 દ્વારા રૂા. 1000, વર્ગ-3 કર્મીઓ દ્વારા રૂા. 300 અને વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા રૂા. 200 આપવાનું નક્કી કરાયું હતું. જિલ્લા પંચાયતના અંદાજે હજાર શિક્ષકો, 3 હજાર તલાટી અને 2000 વહીવટી સહિત 15 હજાર કર્મચારીઓ દ્વારા લગભગ 40 લાખ જેટલી રકમ એકત્ર કરી કેરળના પૂરગ્રસ્તોને મોકલાશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોષી અને તેમના પત્નીએ પૂર પીડિતો માટે એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વષે બનાસકાંઠાના આફતગ્રસ્તોને જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ દ્વારા રૂા. 2 કરોડની સહાય કરવામાં આવી હતી. આ બેઠકમાં ત્રીજા વર્ગના કર્મચારી મંડળના પ્રમુખ વિજયભાઈ ગોર, ભરત ઠકકર, જયવીરસિંહ, સંજય મોતા, ચોથા વર્ગના બિપિન ગોર, હરદેવસિંહ જાડેજા, તલાટી મંડળના રાજુભા જાડેજા, ડ્રાઈવર મંડળના જે.બી. સોલંકી, મહેશ ગઢવી, આરોગ્ય મંડળના વિજય પરમાર, જયેશ ભાનુશાલી, શિક્ષણ મંડળના ધીરજ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer