સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીની કચ્છ યુનિ.ને 20 લાખની ગ્રાન્ટ મળી

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીની કચ્છ  યુનિ.ને 20 લાખની ગ્રાન્ટ મળી
ભુજ, તા. 20 : ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને તેમને આગળ વધવામાં મદદ કરવાના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી શરૂ કરવામાં આવી છે. જેને અમલમાં મૂકવા ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને પ્રથમ તબક્કાની 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પોલિસીના એક ભાગરૂપે યુનિ. દ્વારા `ઈનોવેન્ચર 2018' નામના કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કચ્છની વિવિધ કોલેજો તથા યુનિ. ભવનોમાંથી કુલ 54 એન્ટ્રીમાં મળીને 90 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પોલિસીના સહસંયોજક ડો. કનિષ્ક શાહે આ પોલિસીની જરૂરિયાત અને મહત્ત્વતા અંગે વાત કરી હતી. યુનિવર્સિટીના વી.સી. ડો. સી.બી. જાડેજાએ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને લક્ષ્યપ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા. સહસંચાલક ડો. શીતલ બાટીએ આભારવિધિ કરી હતી. છાત્રોનું મૂલ્યાંકન કરવા માટે કચ્છના વિવિધ ક્ષેત્રમાં અગ્રણી એવા ભાવિક જોશી, સુરેશ કેરાઈ, જવલંત પારેખ, ડો. ભાવેશ ભટ્ટ, હિતેન ગોર, ધવન વૈદ્ય, દેવજી છાંગા, ડો. સીમા શર્મા, ડો. કનિષ્ક શાહ અને ડો. શીતલ બાટી ઉપસ્થિત હતા. પ્રથમ તબક્કામાં રજૂઆતના આધારે મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓ અને તેમની ટીમની પસંદગી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં વિદ્યાર્થીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તેમના આયોજનના અલગ અલગ પાસાઓ રજૂ કર્યા હતા. એક્સપર્ટ પેનલે પ્રશ્નોતરી દ્વારા તેમની ચકાસણી કરી અને અંતે કુલ 9 ટીમોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે પસંદ કરી હતી. આ તમામ ટીમોને યુનિવર્સિટીને મળેલી ગ્રાન્ટ દ્વારા જરૂરી ફંડ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ આઈ.ટી., મેનેજમેન્ટ, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ, સર્વિસ સેકટર વગેરેને લગતી સમસ્યાના સમાધાન માટેના પોતાના સર્જનાત્મક વિચારો અને તેમાંથી ઉદ્યોગ સાહસિક બનવાની પોતાની યોજના રજૂ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer