ભુજમાં વરસાદી પાણી નિકાલની લાઇનના કામની વધુ એક તપાસ

ભુજમાં વરસાદી પાણી નિકાલની  લાઇનના કામની વધુ એક તપાસ
ભુજ, તા. 20 : શહેરમાં પ્રારંભથી જ વિવાદથી ઘેરાયેલી અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી વરસાદી પાણી નિકાલની કેનાલની આજે કોર કાટિંગ કરી ચકાસણી કરાઇ હતી.  ભુજમાં ઉમેદનગરથી સ્ટેશન રોડ સુધી લાખોના ખર્ચે બનતી વરસાદી પાણી નિકાલની કેનાલના કામમાં ભ્રષ્ટાચારની પોલ પાધરી થતાં ઉહાપોહ મચ્યો હતો. જેના પગલે સુધરાઇ દ્વારા `ગેરી'ની તપાસ પણ કરાવાઇ છે ત્યારે આજે વધારાની તપાસના રૂપે ઉમેદનગર માર્ગે કોર કાટિંગ કરી કામની ચકાસણી સાથે નમૂના મેળવાયા હતા. આ નમૂના ગાંધીનગર ખાતે તપાસાર્થે મોકલાશે તેવું ગટર શાખાના ઇન્જિનીયર ધર્મેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કામમાં ભ્રષ્ટાચારની પોલ પાધરી થતાં કોંગ્રેસના નગરસેવક માલશી માતંગે આ કામની તટસ્થ તપાસની માંગ સાથે કલેકટરને કરેલી લેખિત ફરિયાદ અનુસંધાને આજથી ધરણાનો પ્રારંભ કર્યો હતો. જો કે, કલેકટરે પોલીસમાં જાણ કરી ધરણા કરનાર કોઇ અનિચ્છનીય પગલું ન ભરે તેની તકેદારી રાખવા જણાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer