સસ્તા અનાજના દુકાનદારોની વધુ કમિશન માંગ

સસ્તા અનાજના દુકાનદારોની વધુ કમિશન માંગ
નલિયા, તા. 20 : કચ્છમાં કાર્યરત દીનદયાળ ગ્રાહક ભંડાર (એફ.પી.એસ.)ના દુકાનદારોની લાંબા સમયની પડતર માગણીના નિકાલની માંગ સાથે ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના આદેશ મુજબ આજે જિલ્લા કલેકટરને પડતર માગણી અંગેનું 13 મુદ્દાનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નેશનલ ફ્રુડ સિકયોરિટી કાયદો અમલમાં આવતાં રાજ્યમાં 1.20 કરોડ રાશનકાર્ડ પૈકી પંચાવન લાખ રાશનકાર્ડ મૃતપાય છે. જેને જીવંત કરવા ગુજરાતને કેરોસીનમુક્ત કરવાની નીતિના પગલે કેરોસીનના જથ્થામાં ઘટાડો કરાતાં તેની અવેજમાં ઉજાલા ગેસ આપવાની નીતિ અપનાવાતાં ઉજાલા ગેસ, કોમર્શિયલ ગેસ, 5 કિલોના સિલિન્ડરનું વિતરણ અને કમિશન વાજબી ભાવના દુકાનદારોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, સમગ્ર રાજ્યમાં સરકારી પડતર જગ્યામાં વાજબી ભાવના દુકાનદારોને પ્લોટ ફાળવવા ઉપરાંત જીવન વીમા તથા અકસ્માત વીમા કવચ આપી જેનું પ્રીમિયમ સરકાર દ્વારા ભરવામાં આવે. સરકારી દવાખાના સિવિલ હોસ્પિટલ, કોર્પોરેશન દ્વારા ચલાવાતી હોસ્પિટલમાં જરૂરી સારવાર વિનામૂલ્યે આપવી તથા બાળકોને ઉચ્ચશિક્ષણ માટે ઓછા વ્યાજે નાણાની મદદ કરવી, કમિશનની બાબતમાં સરકાર જ્યારે ચાર્જ વધારે તથા મોંઘવારી જાહેર થાય તે બંનેનો સમન્વય સાધી કમિશનમાં વધારો કરવા ઉપરાંત નિગમના કર્મચારી ઘોષિત કરી દુકાનદારોની કેટેગરી જાહેર કરવાની માગણી કરતાં વધુમાં જણાવ્યું હતું કે, પુરવઠા નિગમને જે રીતે પ્રતિ કિલો પાછળ બે રૂપિયા કમિશન મળે છે તેવી જ રીતે વાજબી ભાવના દુકાનદારને પણ પ્રતિકિલો બે રૂપિયા કમિશન મળવું જોઈએ. દુકાનદારને મદદ કરનારને આપવું પડતું મહેનતાણું સરકાર ચૂકવે ઉપરાંત દુકાનમાં વપરાતી સ્ટેશનરી, કોમ્પ્યુટર પાર્ટસ વગેરે પણ સરકાર તરફથી પૂરા પડાય તેમજ લાઈટબિલ પણ કોમર્શિયલ ન ગણી રેસિડેન્સિયલ રેટથી ગણાય તેવી વ્યવસ્થા ગોઠવવા, ફાટેલા બારદાન અને તોલવામાં ઘટ પડે તેવી ઘટ્ટ કોમ્પ્યુટર રજિસ્ટરમાં ઘટ્ટ ગણાતી નથી જ્યારે મેન્યુઅલમાં ઘટ્ટ ગણવામાં આવતી જેથી કોમ્પ્યુટર અને મેન્યુઅલ સ્ટોકપત્રકના હિસાબમાં વિસંગતતા ઊભી થાય છે જે દૂર કરવા રજૂઆત કરાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં વિશેષમાં જણાવાયું હતું કે, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોની સરખામણીમાં ગુજરાતના રાશન ડીલરોને મળતા કમિશનમાં થતો અન્યાય દૂર કરવા ગેરરીતિમાં સંડોવાયેલા દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાય છે પણ હાલે દુકાનદાર પર એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા કેસ કરાયો છે. દુકાનદાર એ કોઈ સરકારી કર્મચારી નથી જેથી જરૂરી સૂચના કે માર્ગદર્શન પુરવઠા વિભાગને આપવા માગણી કરાઈ છે. જિલ્લા પ્રમુખ મનુભા ખેતુભા જાડેજા અને અબડાસા તાલુકા ફેરપ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ જે. ઠાકરની સહી સાથે આવેદનપત્ર અપાયું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer