ભુજમાં `િરમાન્ડ હોમ''ની સુવિધા માટે સરકારને દરખાસ્ત કરવા સૂચના

ભુજ, તા. 20 બાળકોના વર્તમાન માટે ચિંતા કરીશું તો રાષ્ટ્રનું સારું ભવિષ્ય નિર્માણ થશે. બાળકોને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર હાંસલ છે, તેમ ભુજ ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નાયબ સચિવ શ્રી ત્રિવેદીએ કચ્છની ત્રણ દિવસની મુલાકાત અંતે કચ્છમાં બાળ અધિકાર સંરક્ષણ સંદર્ભે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને આયોગના હેતુઓ અને કાર્યોની છણાવટ કરતાં જણાવ્યું હતું. આજે ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોગના નાયબ સચિવશ્રી ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં બાળકોના અધિકારો માટે આયોગના કાર્યની રૂપરેખા આપી બાળકોના અધિકારો વિશે વિશદ છણાવટ કરી હતી. `માસૂમ' એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હોવાનું જણાવી તેમણે બાળ અધિકાર સંરક્ષણ સંબધે ફરિયાદ કરી શકાય સાથોસાથ તેના ઉકેલની માહિતી પણ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા આપવા સાથે બાળકનું નામ અને માહિતી ખાનગી રખાય છે. તે સાથે `માસૂમ' એપની જિલ્લામાં તાલીમ અપાશે તેમ જણાવી આયોગ બાળકોના અધિકારો માટે મોનિટરિંગની કામગીરી કરે છે, તેમ ઉમેર્યું હતું. ભુજના ડીવાયએસપી જે. કે. જેસ્વાલે ભુજમાં હાલે માત્ર બાળ સુધારણા ગૃહ હોવાને કારણે બાળકોને લગતા વિવિધ કેસ સંદર્ભે રાજકોટ કે મહેસાણા લાંબા અંતરે લઇ જવા માટે થતાં પ્રવાસથી બાળકો થાકી પણ જતા હોવાનું જણાવી ભુજ ખાતે રિમાન્ડ હોમની આવશ્યકતા હોવાનું જણાવતાં આયોગના નાયબ સચિવશ્રી ત્રિવેદીએ જરૂરી દરખાસ્ત મોકલી આપવા જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીને નિર્દેશ આપી આયોગ દ્વારા સરકારમાં ધ્યાન દોરશે તેમ જણાવ્યું હતું. આયોગના નાયબ સચિવશ્રી ત્રિવેદીએ બાળમજૂરી રોકવા અને શાળાઓની મુલાકાત લેવાય છે, તેની પૃચ્છા કરી હતી. આરટીઇ પ્રવેશ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપી હતી, જ્યારે બાળ મજૂરી રોકવા સંબંધે આસિ. લેબર કમિશનરશ્રી જાડેજાએ વિગતો આપી હતી. આ બેઠકમાં રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સેકશન ઓફિસરશ્રી લિંબાચિયા, અધિક કલેકટર ડી. આર. પટેલ, ભુજ પ્રાંત આર. જે. જાડેજા, સીડીએચઓ ડો. પંકજ પાંડે, નાયબ પોલીસવડા શ્રી સૈયદ, ભુજના બાળ સંરક્ષણ અધિકારી પ્રવીણસિંહ જાડેજા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી ગઢવી, પ્રોગામ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી કચેરીના અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer