ગૌવંશોની હત્યા કરનારા સામે કડક કાર્યવાહી કરો

ગૌવંશોની હત્યા કરનારા સામે કડક કાર્યવાહી કરો
ભુજ, તા. 20 : શહેરના નાગોર રોડ પર બોલેરો ગાડીમાં સાતેક જેટલા ગૌવંશોને હત્યા કરવા માટે લઈ જતા પકડી પડાયા હતા. જેમની સામે ધોરણસર કાર્યવાહી કરવા જંગલેશ્વર ગૌસેવા સમિતિના નેજા હેઠળ ગૌપ્રેમીઓએ કલેકટર તથા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયા મુજબ ચારેક દિવસ અગાઉ ભુજ-નાગોર રોડ પર બોલેરો ગાડીમાં ગૌવંશો સાથે ચારેક લોકોને પકડી પડાયા હતા. આ અંગે જિલ્લા કંટ્રોલ રૂમમાં તેમજ ભુજ શહેર બી. ડિવિ. પોલીસ સ્ટેશનમાં ફોન કરવા છતાં પોલીસ એક કલાક મોડી આવી હતી અને આરોપીઓ સામે આજદિ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ઉપરાંત આરોપીઓના સાગરીતોએ સ્થળ પર પહોંચી ગાડી પકડનારાઓ પર હુમલો કરી પકડાયેલાઓને નસાડી ગયા હતા. અગાઉ પણ આ આરોપીઓ ગૌહત્યા બનાવમાં પકડાયેલા છતાં તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. લાંબા સમયથી ભુજ ભીડ ગેટથી વરનોરા સુધીના રોડ ઉપર ખનિજ ચોરી, આજુબાજુની વાડીઓમાંથી ગાયો અને ભેંસોની ચોરી, રક્ષિત જંગલી પશુઓનો શિકાર વિ. રોજિંદી દિનચર્યા બની ગઈ છે. ત્યારે લોકલાગણી દુભાવતા આવા બનાવો સામે કડક હાથે કાર્યવાહી કરાય અને આવા તત્ત્વો સામે પાસા અને તડીપાર સહિતના પગલા ભરાય તેવી માંગ કરાઈ હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer