મુંદરામાં વધુ બે બાળકોને ઓરી દેખાતાં આરોગ્ય તંત્રે સારવાર અપાવી

ભુજ, તા. 20 : મુંદરામાં આજે વધુ બે બાળકોને ઓરી દેખાતાં આરોગ્ય તંત્રે સારવાર અપાવી હતી તેવું તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવી ખારી અને મીઠી રોહરમાં ઓરીના બાળદર્દી હોવાના હેવાલોને પગલે સર્વે ટીમો કાર્યરત કરાઈ છે. ગાંધીધામ અને મુંદરાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે મુંદરાના ડાક બંગલા વિસ્તારમાં રહેતા ચાર બાળકોને ઓરી દેખાયા છે. પારિવારિક સંબંધી છે અને કચ્છ બહારના છે. તા. 18ના પાંચ વર્ષના રામ ગણેશ કાલબેલિયા અને આઠ વર્ષની સવિતા નારાણ કાલબેલિયાને ઓરી દેખાતાં ખાનગી તબીબ ડો. શુભમ માહેશ્વરી પાસે સારવાર અપાઈ હતી. સાંજે ઘેર લઈ ગયા બાદ તા.20ના વધુ બે બાળકો પાંચ વર્ષના રાહુલ અને ચાર વર્ષની પૂનમ નારાણ કાલબેલિયાને ઓરી દેખાતાં ખાનગી તબીબ પાસે સારવાર અપાવી ઘેર લઈ ગયા હતા. ગત માસની 16થી શરૂ થયેલા ઓરી રૂબેલા અભિયાન અંતર્ગત તે વિસ્તારના આંગણવાડીમાં કામગીરી દરમ્યાન જો આ ચાર બાળકોને રસી અપાવાઈ હોત તો ઓરી નીકળવાની કોઈ સંભાવના ન રહેત.દરમ્યાન ઓરીની રસી ન મૂકાવનારા બાળકોના વાલીઓને સમજાવતાં તૈયાર થયા હતા. આજે 15 બાળકોને રસી અપાઈ હતી. દરમ્યાન એક યાદીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેએ મિઝલ્સ અને રુબેલા રસીકરણ કામગીરી અભિયાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપવા માટે લોકોને જાહેર અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વિસ્તાર કે સમાજમાં એક પણ બાળક રસીથી બાકી ના રહે. કોઈ પણ અફવા, વહેમ કે અંધશ્રદ્ધાને ધ્યાન ન લેવા અને જિલ્લાના તમામ 9 માસથી 15 વર્ષના બાળકો જે હજુ આ રસીથી વંચિત છે તેઓને આ રસી અપાવી રક્ષિત કરવા અનુરોધ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer