રાપર તાલુકામાં વાહનચાલકો પર ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો

રાપર, તા. 20 : આજે રાપર તાલુકામાં પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે સપાટો બોલાવી ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો તેમજ આધાર-પુરાવા વગર વાહન ચલાવી રહેલા ચાલકો સામે કાર્યવાહી કરી હતી અને સ્થળ પર રૂા. 12,200નો દંડ વસૂલ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા પરીક્ષિતા રાઠોડે વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને - કામગીરીને અવારનવાર કડક પગલાં લેવા માટે ઢંઢોળી રહ્યા છે. ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેકટર આર.એલ. રાઠોડ પણ કાયદાનું ભાન કરાવી રહ્યા છે, ત્યારે હવે જિલ્લા પોલીસવડાએ જિલ્લા ટ્રાફિક શાખાને આજે રાપર તાલુકામાં કાર્યવાહી કરવા માટે સૂચના આપતાં આજે પીએસઆઈ એમ.જી. જાડેજા, અશોકસિંહ જાડેજા, દિલીપભાઈ ઠક્કર, આર.ટી. ગઢવી, લખમશી ફફલ, સુરેશ પીઠડિયા, ગિરીરાજસિંહ જાડેજા, રવજીભાઈ તરલ સહિતનો પોલીસ કાફલો ઊતરી પડયો હતો. ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો તેમજ આધાર-પુરાવા વગર ચલાવી રહેલા વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નવ વાહનો ડિટેઈન અને 98 એન.સી. દ્વારા સ્થળ પર 12200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. હજુ પણ આવી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને વાહનચાલકોને અધારો અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવા જણાવી પીએસઆઈ શ્રી જાડેજાએ ઉમેર્યું હતું. તેમજ ગેરકાયદેસર રીતે મુસાફરો ભરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરાશે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer