ગાંધીધામની સોનીની દુકાનમાંથી 83 હજારના દાગીના સેરવાયા

ગાંધીધામ, તા. 20 : શહેરના મધ્યમવર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં આવેલી સોનીની એક દુકાનનાં તાળાં તોડી તસ્કરો તેમાંથી રૂા. 83,000ના સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. તો બીજીતરફ અંજારની ગુરુકુળ સોસાયટીમાં એક મકાનમાંથી બાઈક, મોબાઈલની તસ્કરી કરી નિશાચરો રફુચક્કર થઈ ગયા હતા. શહેરના ભારતનગરની ગુરુકૃપા સોસાયટીના મકાન નંબર 721માં આવેલી જય અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં નિશાચરોએ ખાતર પાડયું હતું. આ બંધ દુકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદરથી નાના બાળકના સોનાના પેન્ડલ નંગ 10, બાળકોની સોનાની વીંટી નંગ 4, નાના બાળકોના સોનાના કડા નંગ 2, સોનાની કાનની બુટી નંગ 2, ચાંદીના સાંકળા નંગ 20, નાના બાળકોની ચાંદીની કડી નંગ 7, ચાંદીની ચેઈન નંગ 6, એમ કુલ રૂા. 83,000ના દાગીનાની તફડંચી કરીને તસ્કરો નાસી ગયા હતા. ગત રાત્રે 9 વાગ્યાથી આજે સવારે 7.30ના અરસામાં બનેલા આ બનાવ અંગે લખમણ ચિમન ટંડને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દુકાનમાં સી.સી.ટી.વી. ન હોવાથી અન્ય સી.સી. ટી.વી. કેમેરાની તપાસ કરી તસ્કરોને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. બીજી બાજુ અંજારની ગુરુકુળ સોસાયટી-1, મકાન નંબર 18માં ચોરીનો બનાવ બન્યો હતો. ગત તા. 18/8ની રાત્રિએ તસ્કરો આ મકાનની બાઉન્ડ્રીમાં ઘૂસી તેમાંથી બાઈક નંબર જી જે 12 સી સી 7337 તથા એક મોબાઈલ એમ કુલ રૂા. 39,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના બનાવ અંગે મહંમદ ઈકબાલ આમદ ખત્રીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer