અંજારની શાળાનં.5 તથા 10માં પાલિકા દ્વારા સુવિધા નહીં અપાતી હોવાની રાવ

અંજાર, તા. 20 : શહેરના વોર્ડ નંબર 8માં આવેલી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં સુધરાઈ સતાધિશો દ્વારા બેધ્યાનપણુ દાખવવામાં આવતું હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્યો દ્વારા કરાયો છે. કોંગ્રેસી સભ્યો અકબરશા જારૂશા શેખ, રોજાતનબેન સલીમ સીધી અને રાજુબેન દાતણિયાના જણાવ્યા પ્રમાણે વોર્ડ 8માં આવેલી શાળા નં.5 અને શાળા નં. 10માં સુધરાઈ દ્વારા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. આ બાબતે અરજદારો અને શાળાના શિક્ષકોએ પાલિકાના સત્તાઘિશો સમક્ષ અવારનવાર રજૂઆતો કરી છે,પરંતુ આજદિન સુધી પરિણામલક્ષી કામગીરી તંત્રવાહકો દ્વારા કરાઈ નથી. શાળામાં પૂરતા પ્રમાણમાં પાણી પણ અપાતું ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. શાળા નં. 10માં દાતા નાનજીભાઈ થાણાવાલા ગેટ બનાવી આપતા હતા. આ અંગે નગરપાલિકા કચેરીમાં જાણ કરાતાં શિક્ષણ સમિતિના ચેરમેને આ કામ થવા દીધું ન હોવાનો આક્ષેપ કરાયો છે. કોઈ દાતા કામ કરાવવા તૈયાર હોય તો પણ સુધરાઈ સત્તાધિશો ભેદભાવભર્યુ વલણ દાખવે છે. વિદ્યાર્થીઓના હિતમાં આ અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer