ગાંધીધામમાં એક માસથી બીપીએલ કાર્ડ કામગીરી બંધ કરી દેવાઈ છે

આદિપુર, તા. 18 : ગાંધીધામ ખાતે અગાઉના મામલતદારો જરૂરતમંદ લોકોને બીપીએલ કાર્ડ બનાવી આપતા હતા પરંતુ એકાદ માસથી આવેલા નવા મામલતદારે આ કામગીરી બંધ કરાવી દીધી છે. જેથી અરજદારો પરેશાનીમાં મૂકાયા છે તેવી ફરિયાદ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પુરવઠા વિભાગના સચિવને અહીંના સામાજિક કાર્યકરે ફરિયાદ કરી હતી. ગાંધીધામ તાલુકા/શહેર ખાતે જરૂરતમંદ તથા સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર બીપીએલમાં સમાવેશ કરવા યોગ્ય અરજદારોને બીપીએલ રાશનકાર્ડ બનાવી આપવામાં આવતા નથી. તેમને ગેરમાર્ગે દોરી પરેશાન કરવામાં આવે છે. સાચા અરજદારો ધક્કા ખાય છે, અને લાગવગ તથા અન્ય કોઈ બાબતોથી યેનકેન પ્રકારે બીપીએલ કાર્ડ બનાવે છે. વ્યાજબી ભાવની દુકાનદારો પણ ગ્રાહકો સાથે મનમાની કરે છે તેવો આક્ષેપ સામાજિક કાર્યકર દામજી ખીમજી અબચુંગે કર્યો હતો. આ કામગીરી પુન: વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી શ્રી અબચુંગે માંગ કરી ઉમેર્યું હતું કે, ગાંધીધામ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને બી.પી.એલ. કાર્ડ બનાવી આપવું તથા જેમને ફક્ત દીકરીઓ જ હોય તેને ઉપરાંત વિધવા, વિકલાંગ, કેન્સર, એચઆઈવીગ્રસ્ત, વૃદ્ધ, નિરાધાર વ્યક્તિઓને બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ બનાવી આપવા જોઈએ.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer