ગઢશીશાની વાડીના હોજમાં ઘૂસી આવેલા મગરને વનતંત્રે પકડી પાડયો

ગઢશીશાની વાડીના હોજમાં ઘૂસી આવેલા મગરને વનતંત્રે પકડી પાડયો
ગઢશીશા, તા. 18 : ગઢશીશા નખત્રાણા રોડ પર બલરામ ચોકડી પાસે આવેલી વાડીમાંથી આજે મગરને પકડી પાડવામાં આવ્યો હતો.મળેલી માહિતી અનુસાર બલરામ ચોકડી પાસે નવીનભાઈ પોકારની વાડી આવેલી છે. જેમાં પાણીનો હોજ બનેલો છે, તેમાં સાતેક દિવસ પહેલાં મગર ચડી આવ્યો હતો અને પાણીમાં રહેવા લાગ્યો હતો. વાડીમાલિકે મગરને જોતાં જ તરત જ તેને પકડી પાડવા માટે ગઢશીશા વિસ્તારના વન વિભાગના વિસ્તરણના રાઉન્ડ ફોરેસ્ટર રાજેન્દ્રગિરિ ગોસ્વામીને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાડીમાલિક અને અન્ય લોકોની મદદથી મગરને પાણીના હોજમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મગરને દુજાપર પાસે આવેલી નદીમાં સલામત રીતે પાણીમાં છોડવામાં આવ્યો હતો. મગરને પકડવાની કામગીરીમાં ગ્રા.પં. સભ્ય હરેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ અને જયેશભાઈ ઠક્કર, મણિલાલ પટેલ, રસિક પટેલ, હિતેશ પટેલ, અંકિત ગોસ્વામી જોડાયા હતા. વરસાદ ખેંચાઈ જવાના લીધે આવા જળચર પ્રાણીઓ વાડીવિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં ઘૂસી આવે છે. માટે ખેડૂતો અને ખેતમજૂરોને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે તેવી વન વિભાગ તરફથી અપીલ કરાઈ હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer