વિથોણ પંથકમાં લીંબુની ખેતીનો સફળ પ્રયોગ

વિથોણ પંથકમાં લીંબુની ખેતીનો સફળ પ્રયોગ
વિથોણ(તા. નખત્રાણા), તા. 18 : અહીં લીંબુની ખેતીનો પ્રયોગ સફળ રહ્યો હતો અને ચાર એકરમાં 450 ઝાડ ફળોથી લથબથ બન્યા છે. લીંબુ આરોગ્ય માટે અત્યંત ઉપયોગી ફળ?છે. ઔષધિથી માંડીને અથાણાં સુધી લીંબુનો ભરચક ઉપયોગ થાય છે. સિડલેસ નામની સુધારેલી લીંબુની જાતનો એક છોડ દર મહિને પાંચ-સાત કિલો લીંબુ આપે છે અને તે પણ 150 ગ્રામ સુધીના વજન ધરાવતા ફળો, જે દેખાવે મોસંબી જેવા લાગે છે. વિથોણના ખેડૂત વાલજીભાઇ રામાણીની વાડીમાં ચાર એકરમાં લીંબુના છોડનું એક વર્ષ પૂર્વે વાવેતર કરાયું હતું. ઝડપથી પાંગરતા લીંબુના છોડે એક વર્ષમાં ફળ આપવાનું શરૂ?કર્યું. 450 જેટલાં વૃક્ષો ડ્રીપથી પાણી પીએ છે. લીંબુના છોડનો ઉછેર છાણિયા ખાતરથી થયો છે અને ખેડૂતો કહે છે કે, ઓર્ગેનાઈઝ્ડ છે. છોડના કદ અને ડાળીઓની ક્ષમતા કરતાં ફળ વધુ લાગે છે જેનાં કારણે ડાળીઓ લચી પડે છે. વધુ ફળવાળા વૃક્ષોને ટેકા આપવામાં આવે છે અને જરૂર જણાય તો સમય પહેલાં જ ફળ ઉતારી લેવા પડે છે. સિડલેસ નામની સુધારેલી જાત હોવાથી કુમળા ફળોમાં રસનું પ્રમાણ ભરપૂર રહે છે. આ બાબતે ખેડૂત હસમુખ પટેલના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઇ?રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી છતાં નિરોગી છે અને ચૂસિયા (પાન સંકોચાવા) અથવા મીલીબગ (ફૂગ) જેવું દેખાય તો ઓછા પ્રમાણમાં દવા છંટકાવ કરવાનું ખેતી તજજ્ઞોએ જણાવ્યું છે અને અત્યારે પાકથી ખેડૂત પણ ખુશ છે. હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેતીની હાલત ડામાડોળ છે. ખરીફ પેદાશો ઉપર જળસંકટ ઊભું થયું છે. ખરેખર ખેડૂતોને અત્યારે પાતાળનાં પાણી કરતાં પાલર પાણીની તાતી જરૂર છે કારણ કે ચોમાસામાં ખેડૂતો રવી પાક અને ઉનાળુ પેદાશોનુ ભાવિ ઘડતા હોય છે. દોઢ માસ વિત્યો છતાં પશ્ચિમ કચ્છમાં વરસાદનું આગમન ન થવું તે ખેડૂતો માટે ચિંતાનો વિષય હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer