રસ્તાની તકરારમાં ભારાસરના યુવાનનું ખૂન

ભુજ, તા. 18 : રસ્તા બાબતની એકાદ વર્ષ જૂની તકરાર અને માથાકૂટનો જીવલેણ અને લોહિયાળ અંજામ તાલુકાના ભારાસર ગામના અરાવિંદ સુલેમાન કોળી (ઉ.વ. 27)ની કરપીણ હત્યાના સ્વરૂપમાં બહાર આવ્યો હતો.આ બાબતે મરનારના કૌટુંબિક સગા એવા ત્રણ પિતાપુત્ર સામે ગુનો દાખલ કરાવાયો હતો. તાલુકામાં માનકૂવા ગામની ભાગોળે આવેલા ભારાસર ગામના સીમાડામાં આજે સવારે છેલ્લા ત્રણેક દિવસથી લાપતા બનેલા મરનારા અરાવિંદ કોળીનો હત્યા કરાયા બાદ ફેંકી જવાયેલો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. આ પછી તેની માતા શરીફાબેન સુલેમાન કોળીએ ભારાસર ગામના જ રમેશ કોળી તથા તેના બે પુત્ર અનિલ કોળી અને મયૂર કોળી સામે ખૂનની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનારા યુવાન અરાવિંદના પરિવાર અને તેમના જ કૌટુંબિક સગા એવા આરોપીઓ વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી રસ્તાના મામલે તકરાર ચાલતી હતી. આ અંગેની અદાવતને લઇને કોઇ તીક્ષ્ણ હથિયાર વડે અરાવિંદને છાતી, ગરદન અને ગુપ્ત ભાગે ઘા મારીને તેની કરપીણ હત્યા કરી નખાઇ હતી. આ પછી તેનો મૃતદેહ સીમાડામાં ફેંકી દઇને આરોપીઓ નાસી ગયા હતા.આજે સવારે બનાવની જાણ થતાં માનકૂવાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંપાવત સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે દોડી જઇને તપાસમાં પરોવાયા હતા, તો ફોરેન્સિક લેબોરેટરી અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ હતી. ભાગી છૂટેલા આરોપીઓ પકડી પાડવા પોલીસે ચોમેર દોડધામ અવિરત રાખી છે. બીજી બાજુ, બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહત્ત્વની શાખાઓનો સ્ટાફ પણ ભારાસર દોડી ગયો હતો.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer