જૂના લેન્ડિંગ પોઈન્ટથી એટીએસએ તપાસ આરંભી

ભુજ, તા. 13 : કચ્છના કાંઠે અંદાજિત 300 કરોડ રૂપિયાનું હેરોઇન ઉતારવાના મામલામાં રાજ્ય ત્રાસવાદ વિરોધી પોલીસ દળે આજે મોડી સાંજથી કચ્છના જૂના લેન્ડિંગ પોઇન્ટથી છાનબીન આરંભી પોતાની તપાસ વેગવંતી બનાવી છે. આધારભૂત સૂત્રો પાસેથી રાત્રે મળેલી જાણકારી અનુસાર એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીઓની રાહબરી તળે જુદી જુદી ટુકડીઓ તપાસનાં કામે કચ્છ પહોંચી આવી છે. આ ટીમો દ્વારા દાણચોરી અને શત્રો તથા માદક દ્રવ્યોની હેરફેરના જૂના લેન્ડિંગ પોઇન્ટ ખાતેથી તપાસનો પ્રારંભ કરાયો છે. આજે સાંજ પછી પશ્ચિમ કચ્છના ધોલુપીર, છછી, સુથરી અને કમંડ, કડુલી સહિતના જૂના લેન્ડિંગ પોઇન્ટ તપાસ તળે આવરી લેવાયા છે. સ્થાનિક પોલીસને એક બાજુએ રાખીને રાજ્યસ્તરેથી આવેલી આ ટુકડીઓએ શંકાના દાયરામાં હોય તેવા માથાઓ તરફ પણ તપાસનો દોર લંબાવી તેમની ભૂમિકા ચકાસવામાં આવી રહી છે. અત્યંત ગુપ્ત  રીતે થઇ રહેલી આ કાર્યવાહી વિશે સત્તાવાર રીતે કોઇ ફોડ પડાયો નથી, પરંતુ કાર્યવાહીના ધમધમાટ અને દોડાદોડી સહિતના માહોલના સમાચાર વિવિધ સ્થળેથી મળ્યા હતા. એ.ટી.એસ.ની આ ટુકડીઓ હજુ તેની કાર્યવાહી એકાદ-બે દિવસ અવિરત રાખે તેવી ધારણા સેવાઇ રહી છે. 100 કિલો હેરોઇનનો જથ્થો માંડવી પાસેના સલાયા ખાતે નહીં પણ અન્ય કોઇ લેન્ડિંગ પોઇન્ટ ઉપર ઉતારાયો હોવાનું અને ત્યાંથી કન્સાઇનમેન્ટ માંડવી સલાયા આવ્યાના ઇનપુટને આધારે પશ્ચિમ કચ્છ તરફ તપાસનો દોર લંબાવાયો હોવાનું જાણવા મળ્યું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer