હેરોઈનકાંડમાં જૈશે મહંમદની સંડોવણીની આશંકા

હેરોઈનકાંડમાં જૈશે મહંમદની સંડોવણીની આશંકા
રાજકોટ/ખંભાળિયા, તા. 13: આતંકવાદી ભંડોળનાં સ્રોતોમાં ડ્રગ્સનાં કારોબારનો હિસ્સો મોટો છે. ત્યારે ભૂતકાળમાં એકથી વધુ વખત આતંકવાદી કૃત્યોમાં રેઢા પડ માર્ગ જેવો પુરવાર થઈ ગયેલો ગુજરાત અને ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રનો સાગર તટનો વધુ એકવાર આતંકી દુરુપયોગ થઈ રહ્યાની ગંભીર આશંકા ઉભી થઈ છે. સલાયા પાસેથી પકડાયેલા 1પ કરોડનાં હેરોઈનની હેરાફેરીની સાંકળમાં આખરી કડી પાકિસ્તાની આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સુધી જોડાયેલી હોવાની વિગતો સપાટી ઉપર આવતાં સુરક્ષા એજન્સીઓનાં કાન સરવા થયા છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના સલાયા તાલુકાના સોડસલા ગામની સીમમાંથી રૂ. 15 કરોડની કિંમતના પાંચ કિલો જેટલા હેરોઇન નામના માદક પદાર્થ સાથે અઝીઝ અબ્દુલરઝાક ભગાડ નામના શખસને ઝડપી લેવાયો હતો. રાજયની એટીએસ (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ)ની ટીમે અઝીઝ ભગાડ ઉપરાંત આરીફ આમદભાઇ સુમરા સહિત બે શખસને કચ્છમાંથી ઝડપી લીધા હતાં. આ હેરોઇનનો જથ્થો ચાર માસ પહેલા માંડવી ખાતે ઉતારવામાં આવેલા રૂ. 300 કરોડના 100 કિલો હેરોઇન પૈકીનો હોવાનું જણાવાયું છે. રૂ. 300 કરોડના હેરોઇનના જથ્થા સાથે આતંકી સંગઠ્ઠનની સંડોવણી હોવાનું જણાવાય છે. દરમિયાન ગઇકાલે રૂ. 15 કરોડના હેરોઇન સાથે પકડાયેલા અઝીઝ ભગાડને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાની માગણી કરતી અરજી સાથે એટીએસની ટીમે ખંભાળિયાની કોર્ટમાં રજુ કર્યો હતો. એટીએસના અધિકારી દ્વારા રિમાન્ડની માગણીના સમર્થનમાં આતંકી સંગઠ્ઠન દ્વારા માદક પદાર્થ એવા હેરોઇનનો જથ્થો મોકલવામાં આવ્યાનું અને જૈસ એ મહંમદ નામના આંતકી સંગઠ્ઠન દ્વારા ડ્રગ્સનો 100 કિલો જેટલો જથ્થો મોકલવામાં આવ્યાનું અને માંડવી ખાતે એ જથ્થો ઉતારવામાં આવ્યા બાદ ગુજરાતના જુદા જુદા શહેર અને અન્ય રાજયમાં ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવ્યાની શકયતા છે. આ ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી તપાસ કરવાની છે? પકડાયેલા અઝીઝ ભગાડ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે? તેને આર્થિક મદદ કોણ કરે છે? ડ્રગ્સનો જથ્થો કયાંથી અને કેવી રીતે સલાયા સુધી લાવવામાં આવ્યો? તેના સહિતની માહિતી મેળવવી જરૂરી છે તેવું જણાવાયું હતું. આ રજૂઆત બાદ કોર્ટે અઝીઝને સાત દિવસના એટલે કે તા. 20મી સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો. આતંકી સંગઠ્ઠન દ્વારા ફંડ એકત્ર કરવા માટે મોટાભાગે ડ્રગ્સની સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સ મારફતે મળતા નાણાંનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓ માટે કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છના સાગર કાંઠા પર અગાઉ દેશદ્રોહી પ્રવૃત્તિઓ થઇ છે. 1993ની સાલમાં પોરબંદર પાસેના ગોસાબારામાં આરડીએકસ, હથિયાર સહિતના કન્સાઇનમેન્ટ ઉતર્યા હતાં. એ જ રીતે હાલ દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવતા સલાયાનો સાગર કાંઠો દાણચોરી (સ્મગલીંગ) માટે કુખ્યાત છે ત્યારે સલાયા પાસેથી ડ્રગ્સ પકડાયું અને તેની સાથે જૈસ એ મહંમદ નામના આતંકી સંગઠ્ઠનનો છેડો હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે આતંકી સંગઠ્ઠન દ્વારા સૌરાષ્ટ્રના સાગર કાંઠા પર ડોળો હોવાની શકયતા નકારી શકાય તેવી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer