ભચાઉમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનો પૂર્વાભ્યાસ

ભચાઉમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીનો પૂર્વાભ્યાસ
ભુજ, તા. 13 : કચ્છમાં આ વખતે 15મી ઓગસ્ટ, દેશના 72મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરાશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં ભચાઉના એસ.આર.પી. ગ્રુપ-16ના મેદાનમાં આજે ગ્રાઉન્ડ રિહર્સલ સાથે આખરી તબકકાની તમામ તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે ભચાઉના એસ.આર.પી. ગ્રુપ-16ના મેદાન ખાતે વહીવટીતંત્ર તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી પોલીસ સહિતની પ્લાટુનોનું નિરીક્ષણ કર્યું હતું. પરેડની તૈયારીઓ સાથે ભચાઉની વિવિધ શાળાના બાળકો દ્વારા યોગા, હઠીલો રાસ, દેશભક્તિ સમૂહ નૃત્ય, પિરામીડ સહિતની કરાતી પ્રસ્તુતિ સહિત સમગ્ર કાર્યક્રમોની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ પ્રસંગે ડી.ડી.ઓ. પ્રભવ જોષી, અધિક કલેકટર એમ.કે. જોષી, પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ, અંજાર પ્રાંત અધિકારી વી.એન. રબારી, અંજાર ડીવાયએસપી રાકેશ દેસાઇ, પ્રોબેશનરી નાયબ કલેકટર સિધ્ધાર્થ ગઢવી, એસ.આર.પી.ના અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના એ.ઓ. શાહ, ડી.પી.ઇ.ઓ. સંજય પરમાર, ચીફ ઓફિસર શ્રી જોધપુરા, મામલતદાર, ના.મા. કાપડીદાદા સહિત શિક્ષકો, કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું. વહીવટીતંત્ર દ્વારા અપાયેલા વિગતવાર કાર્યક્રમ અનુસાર સવારે 9-00 કલાકે ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ તેમજ મંત્રી ઠાકોરનું ઉદ્દબોધન બાદમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અભિવાદન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને ભચાઉ તાલુકાના વિકાસ માટે કલેકટરને રૂા. 25 લાખની ગ્રાંટનો ચેક અર્પણ કરાશે. ત્યારબાદ મંત્રીના હસ્તે આઇટીઆઇ ભચાઉનું તકતી દ્વારા ઉદ્દઘાટન તેમજ સારી કામગીરી અને વિવિધક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનારાઓનું મોમેન્ટો, પ્રમાણપત્ર આપી સન્માન કરાશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer