બેટધરોની સમસ્યા માનસિક : કોહલી

બેટધરોની સમસ્યા માનસિક : કોહલી
લંડન, તા. 13 : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે તેની ટીમની બેટિંગને લઇને સતત વધી રહેલી સમસ્યા ટેકનિકથી વધુ માનસિક છે. આ સાથે કોહલીએ સાથે બેટધરોને અપીલ કરી હતી કે ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીને બચાવવા માટે બધી ચીજોને સામાન્ય રાખે. દબાણ વધારવાની જરૂર નથી. લોર્ડ'સ ટેસ્ટમાં ભારતીય ટીમ 107 અને 130 રન જ કરી શકી હતી. આથી ઇંગ્લેન્ડનો એક દાવ અને 1પ9 રને ભવ્ય વિજય નોંધાયો હતો. ભારતીય ટીમ આથી પ મેચની શ્રેણીમાં 0-2થી પાછળ ચાલી રહી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ નોર્ટિંગહામમાં 18મીથી શરૂ થશે. કોહલીએ કહ્યું કે અમે ઘણી ભૂલો કરી તે સુધારવાનો સંકલ્પ કરવો પડશે. ખાસ કરીને બેટિંગમાં. બીજી ટેસ્ટની હાર બાદ સુકાની કોહલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મને કોઇ ટેકનિકલી ખામી નજરે પડી રહી નથી. બેટધરો તેમની યોજનાને લઇને સ્પષ્ટ છે, તેમને કોઇ દબાણ નથી. જો બોલ મૂવ કરતો હોય તો આપ તેનો સામનો કરી શકો છો. મગજમાં જે ચાલતું હોય તે ચાલવા દેવાનું. મહાન ખેલાડીઓએ કહ્યું છે કે દરેક વસ્તુ સામાન્ય રાખો. તમારે (ભારતીય બેટધરો) પણ એ જ કરવાનું છે. તમે અહીં આવીને એવું વિચારી ન શકો કે હાલત બહુ કઠિન છે. જો તેનો સામનો કરવા તૈયાર રહેશો તો એ મુશ્કેલ વાત નથી. કોહલીએ કહ્યું કે મોસમે પણ અમારો સાથ ન આપ્યો. અમે બેટિંગમાં હતા ત્યારે વાદળ હતા. ઇંગ્લેન્ડ દાવમાં આવ્યું ત્યારે તડકો હતો. ટોસ અને મોસમ અમારા હાથની વાત નથી. તેના પર યોજના બની શકે નહીં. લોર્ડ'સ ટેસ્ટમાં અમારા બોલરોનું પણ શાનદાર પ્રદર્શન રહ્યું નહીં. પોતાની પીઠની તકલીફ વિશે સુકાનીએ સ્પષ્ટતા કરી કે ફિટનેસની સમસ્યા ગંભીર નથી. ત્રીજી ટેસ્ટ પહેલાં સંપૂર્ણ ફિટ થઇ જઈશ.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer