ગાંધીધામ તાલુકા પંચાયતમાં ખેંચતાણને અંતે કારોબારી ચેરમેનની થઈ વરણી

ગાંધીધામ તાલુકા પંચાયતમાં ખેંચતાણને અંતે કારોબારી ચેરમેનની થઈ વરણી
ગાંધીધામ, તા.13 : અહીંની તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનના પદ માટે ખેંચતાણ બાદ આજે કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ મળેલી બેઠકમાં સામાજિક ન્યાય સમિતિનાં ત્રણ તાલુકા પંચાયતના સભ્યો અને બે કો-ઓપ્ટ એમ પાંચ સભ્યોની નિમણૂંક કરાઈ હતી તેમજ કારોબારી સમિતિમાં 7ની નિમણૂંક કરવામાં આવી હતી. જે પૈકી રમેશભાઈ મ્યાત્રાને જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક ઠેરવતાં આજની આ બેઠકમાં કારોબારી સમિતિનાં 6 સભ્યો હાજર રહ્યા હતા. શરૂઆતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે પુરીબેન કરશન પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પુરીબેન વધુ એક વાર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બન્યા હતા. આ બેઠક બાદ કારોબારી ચેરમેન પદે ડાઈબેન મહાદેવા હુંબલની વરણી કરવામાં આવી હતી. આ વેળાએ ઉપસ્થિત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ બન્ને મહિલા ચેરમેનોને અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એમ તમામ હોદ્દા ઉપર મહિલાઓનો દબદબો રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer