માંડવીમાં નવનિર્મિત ન્યાયાલય પરિસરનું 15મીએ લોકાર્પણ

માંડવીમાં નવનિર્મિત ન્યાયાલય  પરિસરનું 15મીએ લોકાર્પણ
માંડવી, તા. 13 (પ્રતિનિધિ દ્વારા) : આ શહેરમાં રમણીય રૂકમાવતી નદીની સામે નવનિર્માણ પામેલા ન્યાય મંદિર પરિસરનું 15મીએ સવારે રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ એ.જે. દેસાઈના હસ્તે લોકાર્પણ કરાશે. રૂપિયા 8 કરોડ 9 લાખ 10 હજારની વહીવટી મંજૂરી હેઠળ ભોંયતળિયા સહિત ત્રણ માળમાં ભાવિને ધ્યાને રાખી ચાર કોર્ટની ક્ષમતા રખાઈ છે. પાંચેક વર્ષો લગી ભાડાના મકાનમાં આઝાદ ચોકમાં કાર્યરત ન્યાય મંદિર 16મી ઓગસ્ટથી સ્થળાંતર થઈને મૂળ સ્થળે કાર્યરત કરાશે. નવનિર્મિત માળખું 3311 ચો.મી. બાંધકામનું હોવાનું જાણવા મળ્યું હતું. અહીંના બાર એસો.ના પ્રમુખ ખેરાજ એન. રાગ, સેક્રેટરી સુલેમાન એ. રાયમા, પૂર્વ સેક્રેટરી  રાજેશ કે. ભટ્ટ વગેરેએ આપેલી જાણકારી પ્રમાણે પુન:નિર્માણ પામેલા પરિસરમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર જેન્ટસ બાર, લેડીસ બાર, લાયબ્રેરી, સરકારી વકીલની ચેમ્બર, ગાર્ડ રૂમ, જ્યુડિશિયલ બ્રાન્ચ રૂમ, પોસ્ટ ઓફિસ, બેંક રૂમ, ઝેરોક્ષ ખંડ સહિતની જોગવાઈ રખાઈ છે. પહેલે માળે બે કોર્ટો ઉપરાંત બન્ને અદાલતોનું મહેકમ, મુદ્દામાલ રૂમ જ્યારે બીજા મજલે બે કોર્ટો, જજીસ લાયબ્રેરી, મહેકમ વગેરેની વ્યવસ્થા હશે. સાડા ત્રણ દાયકાઓ પહેલાં (1980)ના સમયની વિધાનસભા અધ્યક્ષ નટવરલાલ શાહના હાથે લોકાર્પિત સિવિલ કોર્ટ ભૂકંપ પછી જર્જરિત બનતાં અંતે આઝાદ ચોક ખાતે ભાડાના સંકુલમાં પાંચેક વર્ષો અગાઉ ખસેડાયા બાદ વિવિધ રજૂઆતો, વહીવટી પ્રક્રિયા અંતે પાયાથી તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. ત્રણેક વર્ષો અગાઉ રૂા. 8.9 કરોડની નાણાકીય વહીવટી મંજૂરી મળી અને નૂતન ન્યાય મંદિરનું સપનું અંતે સાકાર થયું. તાજેતરમાં સિનિયર ડિવિઝનની પખવાડિક સીટિંગ બેંચ કાર્યરત કરાઈ છે. આઝાદી પર્વે સવારે 10.30 કલાકે લોકાર્પણ વેળાએ પ્રમુખ અતિથિપદે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયા રહેશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer