મહિલાઓ ખરા અર્થમાં નીડર બને તે જરૂરી

મહિલાઓ ખરા અર્થમાં નીડર બને તે જરૂરી
ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે અહીં મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી હાથ ધરાઈ હતી. આ પ્રસંગે જી.પી.એસ.સી. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના નિ:શુલ્ક કોચિંગ કલાસ પણ પોલીસ દ્વારા શરૂ કરાયા હતા. મહિલાઓ ખરા અર્થમાં નીડર બને અને અન્યાયનો સામનો કરે તેવી અપીલ આ પ્રસંગે કરાઈ હતી. અહીંના સિંધુ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા સમાહર્તા રેમ્યા મોહન, સરહદી રેન્જના ડી.આઈ.જી. ડી.બી. વાઘેલા, ડો. અંજના હઝારે, તુલસી સુજાન, ડો. શિલ્પાબેન ભટ્ટ, સરકારી વકીલ હિતેશીબેન ગઢવી, ગીતાબેન જોશી, જ્યોત્સનાબેન દાસ, પુષ્પાબેન, લક્ષ્મીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 1500 જેટલી સંખ્યામાં શાળા, કોલેજની વિદ્યાર્થિનીઓ તથા અન્ય સામાજિક અગ્રણીઓ, મહિલાઓ પણ જોડાઈ હતી. મહિલાઓ નીડર બને, અન્યાયનો સામનો કરે તથા સાચા અર્થમાં સશક્ત થાય તેવું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. આ સિવાય નાટક, કરાટે, મુક્ત અભિનય જેવા અન્ય માધ્યમો દ્વારા પણ મહિલા સશક્તિકરણ અને જાગૃતિ સંદર્ભે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ધારાશાત્રીઓ દ્વારા મહિલાઓ સંબંધિત કાયદાઓ-જોગવાઈઓ, યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારનારી અને આજીવન ઉપયોગી બની રહેશે તેવું જણાવાયું હતું. સુરક્ષા સેતુ યોજના હેઠળ જી.પી.એસ.સી. તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિનામૂલ્યે કોચિંગ વર્ગનું આઈ.જી.પી. ડી.બી. વાઘેલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલના પ્રથમ બેચમાં 35 વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરાયા છે. આગામી સમયમાં તેનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે તેવું પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer