ગણિત-વિજ્ઞાનનું પરિણામ સુધારવા ખાસ પ્રોજેક્ટનો ગાંધીધામમાં પ્રારંભ

ગણિત-વિજ્ઞાનનું પરિણામ સુધારવા  ખાસ પ્રોજેક્ટનો ગાંધીધામમાં પ્રારંભ
ગાંધીધામ, તા. 13 : કેલિફોર્નિયાના ડો. પિલ્લાઈ સેન્ટર દ્વારા બનાવાયેલા બ્રેઈન ટેક્નિક માટેના ફોનોમિક ઈન્ટેલિજન્સ પ્રોગ્રામનો રાજ્યમાં સૌપ્રથમ વખત ગાંધીધામની શાળા ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા બાળકોનાં ગણિત- વિજ્ઞાનના પરિણામમાં સુધારો લાવવા માટેના આ પ્રોજેક્ટને પાઈલટ પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપવામાં આવી છે. બાળ- માનસને મજબૂત કરવા માટે આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થશે તેવી લાગણી આ વેળાએ વ્યક્ત કરાઈ હતી. શહેરની જે.એચ. શુક્લા માધ્યમિક શાળા ખાતે અમેરિકાના ત્રિપુરા ફાઉન્ડેશનના ગ્લોબલ ડાયરેક્ટર એલિન ક્યુવર (મોહતી)ના હસ્તે આ પ્રકલ્પનો આરંભ કરાવાયો હતો. ગણિત- વિજ્ઞાન જેવા વિષયોમાં બાળકો મૂંઝવણ અનુભવે છે તેનું કારણ મગજના વિકાસ પરનું છે તેવું હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન છે. ફોનોમિક ઈન્ટેલિજન્સ બાળકોના મગજને સક્રિય કરે છે. ત્રિપુરા ફાઉન્ડેશનના ડાયરેક્ટર દ્વારા ગાંધીધામની 20 જેટલી શાળાના આચાર્યો, શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. જે.એચ. શુક્લા માધ્યમિક શાળાના આચાર્ય ડો. હેમંત ઓઝા, શાળા વિકાસ સંકુલના કન્વીનર નજીર અબ્બાસી, પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાલીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માટે શિક્ષણાધિકારી શ્રી વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પ્રોજેક્ટના કન્વીનર અનુરાધાબેન મોટવાણી, સહ કન્વીનર દર્શના ઓઝા તેમજ શાળાના શિક્ષકો સહયોગી બન્યા હતા. આ અંગે વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકોએ તટસ્થ અભિપ્રાય આપ્યો હતે અને પોતાની શાળામાં આ પ્રોજેક્ટ લાગુ કરવા માટે માહિતી મેળવી હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ લાગુ થાય તે માટે નાયબ શિક્ષણ નિયામક એમ.કે. રાવલ માર્ગદર્શન આપી રહ્યા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer