જ્યાં સુધી સંબંધમાં મૈત્રીભાવ ન જાગે ત્યાં સુધી શુષ્કતા હોય

જ્યાં સુધી સંબંધમાં મૈત્રીભાવ  ન જાગે ત્યાં સુધી શુષ્કતા હોય
ગાંધીધામ, તા. 13 : સંબંધો કોઈપણ હોય, પરંતુ તેમાં મૈત્રીભાવ વિના માધુર્ય નથી આવતું. સમાન શબ્દનો અર્થ સમજવા જેવો છે. સમાન એટલે સરખા નહીં પણ ખરેખર માન સહિત રહેવું તે સમાન તેવું ગાંધીધામ ખાતે જૈન મુનિએ કહ્યું હતુ. વિજયરાજ્યસૂરીશ્વરજી મહારાજે સંબંધો અંગે જણાવતાં કહ્યું હતું કે, સંબંધો સિવાય સંસાર ચાલતો નથી. જન્મ લેવાની સાથે માતા-પુત્ર, પિતા-પુત્રનો, બેન જન્મે તો ભાઈ-બેનનો, ભાઈ જન્મે તો ભાઈ-ભાઈનો, અને પરણે તો પતિ-પત્નીનો સંબંધ બંધાઈ જાય છે, પણ આ સંબંધો એક નિસર્ગના અથવા સમાજના ધોરણે બંધાયેલા સંબંધો હોય છે. આ સંબંધોમાં સગપણ હોય છે પણ સગપણ કરતાં ડહાપણ વધારે હોવું જરૂરી છે તેવું તેમણે ઉમેર્યું હતું. જ્યાં સુધી સગપણ ધરાવનારામાં મૈત્રીભાવ જાગતો નથી ત્યાં સુધી સંબંધો શુષ્ક હોય છે, એમાં માધુર્ય હોતું નથી. મૈત્રી એવી ચીજ છે કે સંબંધ ચૈતન્યનો, લાગણીનો અને સ્નેહનો સંસ્કાર કરે છે. કોઈ સ્વાર્થમાં આવીને માતા પોતે પુત્રની હત્યા કરે છે, કોઈ લોભમાં આવીને પુત્ર માતાની હત્યા કરે છે અથવા માતાને તિરસ્કૃત કરીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે, પણ જો આ સગપણમાં સ્નેહનો સેતુ હોય તો આવું કદી બને નહીં. સ્નેહમાં બીજા માટે સહન કરવાની તાકાત હોય છે, બીજાનો વિચાર કરવાની તાકાત હોય છે, બીજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ આપવાની ધગશ હોય છે. જ્યાં મૈત્રીભાવ હોય ત્યાં હક્ક મેળવવાનો ભાવ નથી હોતો, ફરજ બજાવવાની તાલાવેલી હોય છે. આ વિશ્વ ખરેખર સુખ વહેંચવાનો વ્યવસાય છે તેવું તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer