આદિપુરના કાપડના વેપારીનું અપહરણ કરી ઇજાગ્રસ્ત હાલતમાં ફેંકી દેવાતાં ચકચાર

ગાંધીધામ, તા. 13 : જોડિયા શહેર આદિપુરમાં રહેતા અને કાપડના વેપારી એવા એક યુવાનનું ત્રણ બુકાનીધારી શખ્સો અપહરણ કરી તેને ઇજાગ્રસ્ત હાલતમાં ભદ્રેશ્વર બાજુ મૂકીને નાસી ગયા હતા. આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ આદિપુરમાં રહેતા દીપક ખટવાણી નામના વેપારી આજે પોતાની માતા સાથે કારમાં બેસીને જઇ રહ્યા હતા. દરમ્યાન અન્ય એક કારમાં સવાર ત્રણ બુકાનીધારી શખ્સોએ ત્યાં આવી યુવાનની કારમાં તોડફોડ કરી આ યુવાનનું અપહરણ કર્યું હતું. આ બનાવ બનતાં યુવાનના માતા તરત જ આદિપુર પોલીસ મથકે ધસી ગયા હતા અને આ બનાવ અંગે જાણ કરતાં સ્થાનિક પોલીસ તથા એલ.સી.બી. હરકતમાં આવી ગઇ હતી. દરમ્યાન આ યુવાન વેપારી પોલીસને ભદ્રેશ્વર બાજુથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેમની સારવાર ચાલુમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ રાત સુધી આ અંગે પોલીસ ચોપડે કોઇ ફરિયાદ નોંધાઇ નહોતી. આ બુકાનીધારી ત્રણ શખ્સો કોણ હતા અને શા માટે આ યુવાનનું અપહરણ કરી તેને માર માર્યો હતો, તે બહાર આવ્યું નહોતું. પરંતુ આ બનાવથી સમગ્ર સકુલમાં ચકચાર પ્રસરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer