માથું ઊંચકતો મેલેરિયા : 12 દિ''માં 40 કેસ

ભુજ, તા. 13 : કચ્છમાં મેલેરિયા માથું ઊંચકી રહ્યો છે. ઓગસ્ટના 12 દિવસમાં જ 40 કેસ નોંધાયા છે. દરરોજ 6થી 7 કેસ નીકળે છે. આ મહિનામાં ડેંગ્યુના પણ પાંચ કેસ નીકળ્યા છે. નહીંવત વરસાદ વચ્ચે પણ ડેંગ્યુ અને મેલેરિયાનો વધતો ઉપદ્રવ ચિંતાનો વિષય બની રહ્યો છે. આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેને પૂછતાં તેમણે સમર્થન આપવા સાથે ઉમેર્યું કે, જો કે, ગત વર્ષે ઓગસ્ટમાં સાદા મેલેરિયાના 182 કેસ નોંધાયા હતા. મેલેરિયાના દર્દીઓની ઓગસ્ટ દરમ્યાન લોહીના નમૂના તપાસવા 32,760 સ્લાઇડ લેવાઇ?છે. વર્ષ દરમ્યાન 6,06,824 સ્લાઇડ લેવાઇ છે. મેલેરિયાના 40 કેસમાં મુખ્યત્વે ચાર તાલુકામાં છે, જેમાં ભુજમાં 10, નખત્રાણા 9, ભચાઉ અને અબડાસામાં 6-6 જ્યારે અન્ય તાલુકામાં એકાદ કેસ નોંધાયો છે. વર્ષ દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નોંધાયેલા કેસ વિશે ડો. પાંડેએ જણાવ્યું હતું કે, દિનારામાં 40, વાયોર 25, તેરા 15, જખૌ-નિરોણા 13-13, ગોરેવાલી-વિથોણમાં 12-12, કોઠારા-દેશલપર (ગુંતલી)માં 10-10, રવાપર-ધોળાવીરામાં 9-9 અને માધાપર-કુકમા પી.એચ.સી.માં 8-8 કેસ નોંધાયા છે. તાલુકા પ્રમાણે જોઇએ તો ભુજમાં 81, અબડાસા 71, નખત્રાણા 52 અને રાપરમાં 33 દર્દી નોંધાયા છે. ડેંગ્યુના કેસ વિશે સી.ડી.એચ.ઓ.એ જણાવ્યું કે, વર્ષમાં 50માંથી આ મહિને પાંચ કેસ નોંધાયા છે. આ 50માંથી સૌથી વધુ 31 કેસ ભુજમાં દેખાયા, જેમાં 20 ભુજમાં અને તાલુકામાં 11 દર્દી નોંધાયા છે.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer