ગાંધીધામમાં ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને 10 વર્ષની કેદની સજા

ગાંધીધામ, તા. 13 : અહીંના સુંદરપુરી વિસ્તારમાંથી રૂા. 17,160ના ગાંજા સાથે પકડાયેલા એક શખ્સને અહીંની એન.ડી.પી.એસ.ની વિશેષ કોર્ટે તકસીરવાન ઠેરવી તેને 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 1,00,000ના દંડનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. અહીંના નવી સુંદરપુરી વિસ્તારમાં તયબાહ મસ્જિદ પાસે રહેતા મૂળ ઓરિસ્સાના રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે રાજેશસિંઘ સુંદરસિંઘ ઠાકુરનાં મકાનમાં દારૂ અંગે દરોડો પાડયો હતો. આ શખ્સના મકાનમાંથી રૂા. 8050ની 22 બોટલ જપ્ત કરવામાં આવી હતી. દરમ્યાન, પોલીસે વધુ તપાસ કરતાં લાકડાંના પલંગ નીચેથી વિમલ ગુટકા લખેલો થેલો ખોલી તલાશી લેતાં તેમાંથી ગાંજો નીકળી પડયો હતો. રૂા. 17,160ના આ ગાંજા અંગે પૂછતાં પોતે ઓરિસ્સાના રઠર દબાઇસિંઘ મારફતે મેળવી પોતે અહીં રાખી તેનું વેચાણ કરતો હતો. આ બંને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ અહીંની એન.ડી.પી.એસ.ની વિશેષ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે તમામ આધાર-પુરાવા ચકાસી આ રાજુ ઠાકુરને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 1,00,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો ચુકાદો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી રાજુ ઠાકુર ભાગેડુ છે અને તેની વિરુદ્ધ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઇશ્યુ કર્યું છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.જી. રાણાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer