પૂર્વ કચ્છમાં અકસ્માતે બે યુવાનોની જિંદગી રોળાઇ

ગાંધીધામ, તા. 13 : અંજારના વરસામેડી નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ઉપરથી કાપડનો તોતિંગ રોલ પડતાં બલિયા મુરમુ (ઉ.વ. 36) નામના શ્રમિકનું મોત થયું હતું તેમજ અંજારથી વરસામેડી જતા માર્ગ પર ત્રણ રસ્તા નજીક બાઇક સ્લીપ થતાં આદિપુરના ભરત પ્રાગજી સોલંકી (માળી)નું મોત થયું હતું. વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ કંપનીના આઇ.એમ.એસ. વિભાગમાં બલિયા નામનો શ્રમિક કામ કરી રહ્યો હતો. તે દરમિયાન 40-50 ફૂટ ઉપરથી 20-25 ફૂટ લાંબો અને તોતિંગ એવો કાપડનો રોલ આ મજૂર ઉપર પડયો હતો. આ ભારેખમ રોલ નીચે દબાઇ જતાં ગંભીર પ્રકારની ઇજાઓને પગલે આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી બાજુ એરપોર્ટ ત્રણ રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. આદિપુરનો ભરત સોલંકી બાઇક લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન આ બાઇક સ્લીપ થતાં વીજથાંભલામાં અથડાઇ હતી, જેમાં આ યુવાનને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. યુવાનને સારવાર અર્થે ખસેડાયા બાદ તેણે સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. આ બન્ને બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer