યુનિ.ના પ્રવેશદ્વારે પં. શ્યામજીની પ્રતિમા

ભુજ, તા. 13 : છેલ્લા બે વર્ષની પરંપરા અને અગાઉ થયેલી જાહેરાત મુજબ આગામી 4થી ઓક્ટોબરના ક્રાતિવીર પં. શ્યામજી કૃષ્ણવર્માની જન્મ જયંતીના દિવસે કચ્છ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ઉપસ્થિત રહેશે એ લગભગ નિશ્ચિત છે. આ ઉપરાંત જેમના નામ સાથે આ યુનિવર્સિટી જોડાયેલી છે એ વીર સપૂત પં. શ્યામજી કૃષ્ણવર્માની પૂર્ણ કદની પ્રતિમાનું પણ યુનિ. પ્રવેશદ્વારે ચોથી ઓક્ટોબરના તેમના જન્મદિવસે જ અનાવરણ કરવાની તૈયારી ચાલી રહી છે. કચ્છ યુનિ.ના કુલપતિ ડો. સી.બી. જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રતિમાનું ચહેરા સુધીનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રવેશદ્વારે જ પંડિતજીની પ્રતિમા મૂકવામાં આવશે. વિદેશની ધરતી પર રહી આઝાદીની આહલેક જગાવનાર આ વિરલ વિભૂતિની પ્રતિમા વર્તમાન અને ભાવિ પેઢીના વિદ્યાર્થીઓને હંમેશાં પ્રેરિત કરતી રહેશે. જે 12 ફૂટ ઊંચી પૂર્ણ કદની રહેશે. દરમ્યાન, યુનિ.ના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી તા. 4/10ના યોજાનારા પદવીદાન સમારોહમાં 4700થી વધુ છાત્રોને ડિગ્રી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે. માર્ચ-એપ્રિલ 2018 કે તેથી પહેલાં લેવામાં આવેલી જુદી-જુદી સ્નાતક-અનુસ્નાતક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ છાત્રોને ડિગ્રી અપાશે. 4300થી વધુ છાત્રોએ ઓનલાઈન અને 400 જેટલા છાત્રોએ ડિગ્રી પ્રમાણપત્ર માટે ઓફલાઈન અરજી કરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer