6થી 8 ધોરણમાં વ્યાયામ વિષય ફરજિયાત બનાવો

અંજાર, તા. 12 : પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8માં વ્યાયામ વિષયને ફરજિયાત દાખલ કરી વ્યાયામ શિક્ષક અને એક ચિત્ર શિક્ષક મૂકવા શિક્ષણમંત્રી સમક્ષ કચ્છમાંથી રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી દિનેશભાઇ માતાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ધોરણ 6થી 8 ગુજરાતી, ગણિત, હિન્દી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત છે. તેવી જ રીતે ધોરણ 6થી 8માં વ્યાયામ વિષયને ફરજિયાતપણે દાખલ કરવામાં આવે તો બીજા વિષયોની જેમ વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે, જેથી ગામ, જિલ્લો, રાજયનું નામ રોશન કરી શકે. આ વિષયના શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવી અને હાલમાં જે વ્યાયામની લાયકાત ધરાવે છે તેવા વ્યાયામ શિક્ષકોને ધોરણ 6થી 8માં વ્યાયામ શિક્ષક તરીકે તાત્કાલિક મૂકી દેવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે તેમ છે. વ્યાયામ શિક્ષક કે ચિત્ર શિક્ષકની ભરતી કરવા માટે કોઇ પરિપત્ર કે નવા જી.આર. કરવાની કોઇ જરૂરત રહેતી નથી. ફકત રાઇટ ટુ એજ્યુકેશનની કલમને અનુસરવાનું છે અને રાજ્યપાલના પરિપત્રને અનુસરવામાં આવે તો પણ વિષય દાખલ કરીને કાયમ શિક્ષકને ભરતી થઇ શકે તેમ છે. આર.ટી.આઇ. 2009 મુજબ જે શાળામાં ધો. 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં એક વ્યાયામ શિક્ષક અને એક ચિત્ર શિક્ષક હોવા જોઇએ. એક બાજુ નાયબ સચિવ દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે શારીરિક શિક્ષણ અને યોગ વિષયનું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવશે, પરંતુ એક વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં પણ અમલમાં મૂકવામાં આવ્યું નથી કે, લાગુ કરવામાં આવ્યું નથી. ખાલી મોટી મોટી જાહેરાતો અને ખોટા પરિપત્રો કરવામાં આવે છે. જો રાજ્ય સરકાર ભાવિ પેઢીને તન, મનથી સ્વસ્થ રાખવા માગતી હોય તો તાત્કાલિક અસરથી વ્યાયામનું પુસ્તક અમલમાં મૂકે અને તાત્કાલિક વ્યાયામ શિક્ષકો તથા ચિત્ર શિક્ષકોની ભરતી કરવા તેમણે પત્રમાં માગણી કરી હતી.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer