રાજ્યસભામાં વિપક્ષી એકતાનો પરપોટો ફૂટયો એનડીએના હરિને તથાસ્તુ !

પ્રમોદ મુઝુમદાર તરફથી  નવી દિલ્હી, તા. 9 : લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે બાથ ભીડવા માટે વિપક્ષ મહાગઠબંધન રચવાનાં પ્રયાસમાં છે ત્યારે રાજ્યસભાનાં ઉપસભાપતિની ચૂંટણીમાં વિપક્ષી એકતામાં ભંગાણ સપાટી ઉપર આવી ગયું છે. શાસક એનડીએ મોરચા તરફથી જેડીયુનાં ઉમેદવાર હરિવંશે કોંગ્રેસનાં ઉમેદવાર હરિપ્રસાદને કારમો પરાજય આપવામાં સફળતા મેળવી છે. એનડીએ પાસે રાજ્યસભામાં બહુમત ન હોવા છતાં તેનાં ઉમેદવારનાં વિજયથી વિપક્ષનાં એકતાનાં દાવાઓ સામે પણ ગંભીર સવાલ સવાલો ખડા થઈ ગયા છે. આ ચૂંટણીનાં પરિણામ પરથી ફરી એકવાર એ વાત સાબિત થઈ ગઈ છે કે, સંસદના ઉપલા ગૃહમાં પણ મોદી સરકાર મજબૂત છે અને કોંગ્રેસ ચાહે કેટલા પણ અવરોધ ઊભા કરે કેન્દ્ર સરકારને દેશહિતમાં મહત્ત્વના નિર્ણયો લેતાં તે રોકી શકે તેમ નથી. આ પદ માટે હરિવંશનો મુકાબલો કોંગ્રેસના બી.કે. હરિપ્રસાદ સાથે થયો હતો જેમાં હરિવંશને 125 મત જ્યારે હરિપ્રસાદને 105 મત મળ્યા હતા. આ ચૂંટણી કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ માટે જેટલી મહત્ત્વની હતી એટલી જ મહત્ત્વની ભાજપની આગેવાની હેઠળના એનડીએ માટે હતી. હરિવંશની જીત રાષ્ટ્રીય રાજકારણમાં દૂરગામી અસર છોડશે એવું મનાઈ રહ્યું છે. જનતા દળ (યુ)ના સાંસદ હરિવંશ વરિષ્ઠ સંપાદક અને પત્રકાર રહી ચૂકયા છે અને રાજ્યસભાના સાંસદ બનતા પહેલાં તેઓ બિહાર-ઝારખંડના પ્રસિદ્ધ અખબાર પ્રભાત ખબરના સંપાદક તરીકે કાર્યરત હતા. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન બનનારા તેઓ દેશના પ્રથમ પત્રકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના પ્રમુખ અમિત શાહ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર વ્યક્તિગત રીતે બીજેડીના વડા નવીન પટનાયક, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલી દળના પ્રકાશસિંહ બાદલ, તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ સહિત અન્ય વિપક્ષી નેતાઓ સાથે સંવાદ અને સંપર્ક કર્યો હતો અને હરિવંશ માટે ટેકો માગ્યો હતો. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએના બી. કે. હરિપ્રસાદને એવો વિશ્વાસ હતો કે યુપીએના ઘટક પક્ષોનો સાથ અને સમર્થન મળશે, પરંતુ અપેક્ષાનુસાર કેટલાક વિરોધ પક્ષોએ તેમને ટેકો આપ્યો ન હતો. રાજકીય વિશ્લેષકો આને વિરોધ પક્ષના સંભવિત મહાગઠબંધન માટે જોરદાર ઝટકો માની રહ્યા છે. જે લોકો છેલ્લાં ચાર વર્ષથી મોદી સરકાર હટાવો અભિયાનમાં લાગેલા છે તેમને પણ કડક સંદેશ મળી ગયો હશે. આ જીતને 2019ની ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી સફળતાના રૂપમાં જોવામાં આવી રહી છે. આ વિજય માટે હરિવંશને વડા પ્રધાન સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ અભિનંદન આપ્યાં હતાં. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ છે અને નવા ચૂંટાયેલા ડેપ્યુટી ચેરમેન ઉત્તર પ્રદેશના બલિયાના છે જે 1857ના સ્વતંત્રતા સંગ્રામના સમયથી સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલું રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer