કેરળમાં વરસાદથી 22 મોત : એલર્ટ

તિરૂવનંતપુરમ્, તા. 9 :  કેરળમાં ચોમાસાની શરૂઆતે ભારે વરસાદનાં કારણે જનજીવન પ્રભાવિત થયા બાદ ફરી એક વખત વરસાદ કહેર બનીને વરસવા લાગ્યો છે.  છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના પરિણામે કેરળના વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા છે અને વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે 26 લોકોએ જીવ ગુમાવ્યો છે.  ઈડુક્કીમાં  ભૂસ્ખલનમાં 10, મલપ્પુરમમાં 5, કન્નુરમાં 2 અને વાયનાડ જિલ્લામાં 1નું મૃત્યુ થયું હતું. પરિસ્થિતિ અત્યંત જોખમી બનતાં સેના અને નૌકાદળની ટીમો રેસ્ક્યૂ માટે પહોંચી હતી.  આ ઉપરાંત કેટલાય વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ દરમિયાન ઈડુક્કી ડેમનું જળસ્તર જોખમી બનતાં ઐતિહાસિક ઘટનામાં 26  વર્ષ પછી દરવાજા ખોલવામાં આવ્યા હતા.  મુખ્યપ્રધાન પિનારાઇ વિજયને જણાવ્યું હતું કે, અમે લશ્કર, નૌકાદળ, કોસ્ટગાર્ડ અને એન.ડી.આર.એફ.ની મદદ માગી છે. પ્રશાસનને હાઇએલર્ટ કરી દેવાયું છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (એન.ડી.આર.એફ.)ની ટીમો રાહત બચાવ કામગીરી માટે તાત્કાલિક દક્ષિણ ભારતીય રાજ્યના અસરગ્રસ્ત ભાગોમાં ધસી ગઇ હતી.  નેવી તરફથી દક્ષિણી નેવલ કમાન્ડે વાયનડમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ચાર ટીમ અને એક સી કિંગ હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ ઉપરાંત સેના તરફથી આયન્નકુલુ, ઈડુક્કી અને વાયનડમાં 75 જવાનોની ટીમ મોકલી હતી. જ્યારે બે ટીમ કોઝિકોડ અને મલયપ્પુરમ રવાના થઈ હતી.  આ દરમિયાન વિવિધ સ્થળોએ રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન સેના પ્રભાવિત થઈ હતી.બીજી તરફ સીઆઈએએલએ પેરિયાર નદીમાં વધી રહેલા જળસ્તરને કારણે હવાઈમથક જળમગ્ન થવાની આશંકા વ્યક્ત કરી હતી.  તમામ વિમાનના લેન્ડિંગ ઉપર રોક લાદી હતી. વરસાદના કારણે ઈડુક્કી, કોલ્લમ અને અન્ય જીલ્લામાં શૈક્ષણિક સંસ્થાનોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને મુખ્યમંત્રી પિનારઈ વિજયને તાકીદની બેઠક બોલાવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer