કાયદો બનાવવાનું કામ સરકારનું : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 9 : ગંભીર અપરાધોના મામલાઓના આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકવા માટે દાખલ થયેલી અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે અધિકારોને લઈને એક નોંધપાત્ર ટિપ્પણીમાં કહ્યું હતું કે અદાલતે લક્ષ્મણ રેખા પાર કરવી જોઈએ નહીં અને કાનૂન બનાવવાનું કામ સંસદનું છે. કેન્દ્ર સરકારે પણ આ અરજીનો વિરોધ કરતાં એવી દલીલ કરી હતી કે આ મામલો સંસદના કાર્યક્ષેત્રમાં છે અને બંધારણીય જોગવાઈ કહે છે કે જ્યાં સુધી દોષી જાહેર ન થાય ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ ગણાય. જેમની સામે ગંભીર અપરાધના કેસો પડતર છે એવા લોકો ચૂંટણી લડી શકે નહીં એ માટે કાયદાકીય જોગવાઈની માંગ સાથેની અરજીની સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે કાયદો બનાવવાનું કામ સંસદનું છે અને અમારું કામ કાનૂનની વ્યાખ્યા કરવાનું છે અને અદાલતની લક્ષ્મણરેખા એ જ છે. અદાલત કાયદો બનાવી શકે નહીં. એ સંસદના અધિકાર ક્ષેત્રમાં છે. કલંકિત નેતાઓ સામેના કેસોને ફાસ્ટ ટ્રેકમાં હાથ ધરી શકાય.  કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની  જનરલ કે.કે. વેણુગોપાલે અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ મામલો સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રમાં છે. કોર્ટ સજા આપે નહીં ત્યાં સુધી દરેક વ્યક્તિ નિર્દોષ ગણાય. જો કે, આ દરમ્યાન સુપ્રીમે બંધારણીય જોગવાઈના ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મંત્રી જ્યારે શપથ લે છે ત્યારે બંધારણને અક્ષુણ્છણ રાખવાની વાત કરે છે. શું જેની હત્યાનો આરોપ છે એ એવું કરી શકે? ત્યારે એટર્ની જનરલે દલીલ કરી હતી કે શપથમાં એવું કઈ નથી કે  જેમની સામે કેસ ચાલતા હોય એ આવું કરી શકે નહીં.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer