ટ્રિપલ તલાક ખરડામાં સંશોધનોને મંજૂરી

નવી દિલ્હી, તા. 9 :  ટ્રિપલ તલાક ઉપર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ કેન્દ્રીય મંત્રીમંડળે ટ્રિપલ તલાક બિલમાં સંશોધનોને મંજૂરી આપી છે. ખરડામાં સંશોધન બાદ પણ ટ્રિપલ તલાક બિનજામીનપાત્ર અપરાધ જ રહેશે, પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા આવી બાબતોમાં જામીન આપી શકાશે. અગાઉ વિપક્ષે ખરડામાં રહેલી અમુક જોગવાઈ ઉપર વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે ખરડો રાજ્યસભામાં અટકી ગયો હતો. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવની યોજના હેઠળ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી દાળને કલ્યાણકારી યોજનાઓ હેઠળ રાજ્ય સરકારોને વિતરિત કરવાની કામગીરીને લીલીઝંડી આપી હતી અને એનડીઆરએફમાં ચાર બટાલિયન ઉમેરવાનો નિર્ણય થયો હતો.  કેબિનેટમાં ટ્રિપલ તલાકને લઈને સંશોધનોને મંજૂરી મળી છે. ટ્રિપલ તલાક બિનજામીનપાત્ર અપરાધ ગણવામાં આવ્યો છે. પરંતુ ખટલા પૂર્વે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર મળશે. આ ઉપરાંત વધુ એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં પીડિત સાથે લોહીનો સંબંધ  ધરાવતા પરિજન પણ ફરિયાદ દાખલ કરાવી શકશે. જો કે, સૂચિત કાયદો `બિન -જામીનપાત્ર' રહેશે, પરંતુ આરોપી જામીનની દાદ ચાહવા માટે ખટલો શરૂ થવા અગાઉ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ જઈ શકશે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, `પત્નીની વાત સાંભળ્યા બાદ' જામીન આપવાની મેજિસ્ટ્રેટને છૂટ આપતી કલમ ઉમેરવામાં આવી છે. પરંતુ સૂચિત કાયદા હેઠળ એક જ સમયે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાનો ગુનો  બિનજામીનપાત્ર રહે છે, એવી તેમણે સ્પષ્ટતા કરી હતી. બીજા સુધારામાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે, પીડિતા (પત્ની), તેના લોહીના સંબંધી અથવા તેના લગ્નની રૂએ સંબંધી બનેલા લોકો સંપર્ક કરે તો જ પોલીસ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધશે. આથી એવા ભય દૂર થશે કે પાડોશી પણ એફઆઈઆર નોંધાવી શકે છે જેવું કે કોઈ પણ દખલપાત્ર (કોગ્નિઝેબલ) ગુનાના કેસોમાં બને છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં દેશમાં પૂર અને અન્ય કુદરતી આફતોનો સામનો કરવા માટે એનડીઆરએફમાં ચાર બટાલિયન ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે આઈટીબીપી અને બીએસએફમાં બે-બે બટાલિયનને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ આ ચાર બટાલિયનને એનડીઆરએફમાં જોડવામાં આવશે. જેના પાછળ 637 રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત કેબિનેટમાં મેટ્રિક બાદ ઓબીસી માટે શિષ્યવૃત્તિમાં સંશોધન અને તેને વધુ ત્રણ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય થયો હતો. તેમજ કેબિનેટે પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના 12મી પંચવર્ષીય યોજના પછી પણ જારી રાખવાને લીલીઝંડી આપી છે. આ યોજના હેઠળ 84934 કરોડ રૂપિયાના ખર્ચે 38412 વિસ્તારોને જોડવાનો લક્ષ્યાંક છે. કેબિનેટમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે આરોગ્ય અને કારોબારી ક્ષેત્રના એમઓયુને પણ મંજૂરી આપી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer