લુડવામાં પત્નીને સળગતા ચૂલા પર ફેંકી પતિ દ્વારા ખૂનનો પ્રયાસ

ભુજ, તા. 9 : માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથકની હદમાં આવતા લુડવા ગામે પતિ દ્વારા પત્નીને અપાઇ રહેલા ઘરેલુ ત્રાસની પરાકાષ્ઠા સમાન ઘટનામાં ભારતીબેન (ઉ.વ. 37) નામની પરિણીતાને તેના પતિ પ્રવીણ બુઘ્ધુલાલ મહેશ્વરીએ સળગતા ચૂલામાં નાખી તેની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગઢશીશા પોલીસે આપેલી માહિતી મુજબ ગત શુક્રવારે વહેલી પરોઢે આ ઘટના બની હતી. ઘરમાં સળગી રહેલા ચૂલા ઉપર ભારતીબેનને નાખીને પતિ પ્રવીણે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેવું આજે ભારતીબેને પતિ સામે ખૂનની કોશિશની લખાવેલી ફોજદારી ફરિયાદમાં લખાવ્યું હતું.  ભારતીબેન અને પ્રવીણના લગ્ન 17 વર્ષ પહેલાં થયેલાં છે. પત્નીને પતિ દ્વારા છેલ્લા લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. જેની ચરમસીમા સમાન આ ઘટના બની હતી, તેમ ફરિયાદમાં લખાવાયું છે. પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એન. પટેલે તપાસ હાથ ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer