ઝરમર વરસતાં મેઘઆશ જીવંત

ઝરમર વરસતાં મેઘઆશ જીવંત
ભુજ, તા. 9 : કચ્છ જેની કાગડોળે રાહ જોઇ રહ્યું છે એ મોંઘેરા મહેમાન સમા મેઘરાજાએ ગઇકાલ રાતથી અપર એર સાયકલોન સિસ્ટમની અસર તળે જિલ્લામાં ઝરમર સ્વરૂપે આગમન કર્યું છે, તેથી શ્રાવણ પહેલાં જ મેઘો મહેરબાન થાય તેવી આશા જાગી છે. કચ્છમાં ઘાસની સ્થિતિ એકાએક વણસી છે અને ખેડૂતોએ પણ ચોખ્ખાચણાંક કરી રાખેલા ખેતરો વરસાદ ઝંખી રહ્યા છે પણ નામમાત્રનો એક રાઉન્ડ કરીને મોઢું ફેરવી બેઠેલા વરસાદે પાછું ફરીને જોયું નથી અને તેની સદંતર ગેરહાજરીની પશ્ચાદભૂમાં કાળમુખાના ડાકલા વાગતા સંભળાઇ રહ્યા છે, ત્યારે જ માહોલ પલટાયો છે અને બુધવારની રાતે ગાંધીધામ પર આખી રાત  ઝરમર વરસાદ વરસ્યો હતો, તો કચ્છના અન્ય ભાગો પણ પલળ્યા હતા. મુંદરાથી પ્રતિનિધિના જણાવ્યાનુસાર ચાતક નજરે રાહ જોવડાવ્યા બાદ નગર અને નજીકના ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડયો છે. સવારે સાડા પાંચ વાગ્યાથી હળવાથી ભારે ઝાપટાંના સ્વરૂપમાં 20 મિ.મી. વરસાદ નોંધાતાં મોસમનો કુલ્લ વરસાદ 45 મિ.મી. થવા પામ્યો છે. દરિયાપટ્ટીના ગામ ટુંડામાં 1 ઇંચ જ્યારે મોટા કાંડાગરામાં પણ 1 ઇંચ વરસાદના વાવડ મળે છે. જ્યારે ધ્રબ-ઝરપરામાં પણ અડધા ઇંચ જેવો વરસાદ  થયો છે. પવન બંધ થતાં વરસાદની આશા બંધાણી છે. ભુજપુરમાં પણ પાણી વહી નીકળ્યાં હતાં. નખત્રાણાથી પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગુરુવારે વહેલી સવારે તેમજ દસેક વાગ્યાની આસપાસ નખત્રાણા તેમજ આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડયાં હતાં. વધુ વારસાદની આશા બળવત્તર બની છે, તો માલધારીઓ, ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતાં માલધારીઓ તેમજ કિસાનવર્ગમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. અગાઉ પડેલા દોઢ ઈંચ વરસાદના કારણે સીમાડામાં ઘાસ ફૂટી નીકળ્યું હતું. પરંતુ એકાદ મહિનાથી વરસાદ ખેંચાતાં અને આજના 7 મિ.મી. વરસાદના કારણે મુરઝાતા ઘાસને જવતદાન મળશે. ગુરુવારે વહેલી સવારે ત્રણેક વાગ્યાની આસપાસ ઝાપટું પડતાં અંગિયા પાસેના 220 કે.વી. સબ સ્ટેશનમાં ફોલ્ટ સર્જાતાં નખત્રાણા ફીડર બંધ થતાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. જે સવારે 11 વાગ્યાની આસપાસ ચાલુ થઈ હતી. જેના કારણે સવારનાં પાણી પુરવઠાની અસર થઈ હતી. આજના 7 મિ.મી. વરસાદથી માર્ગો ભીના થયા હતા. તો પાણી વહેવાની સાથે નેવા પણ જોરદાર વહ્યા હતા. ગઈકાલથી વરસાદી આળંગ બંધાતાં પવનદેવ ધીમા પડતાં વરસાદી માહોલ બંધાયો છે. પવિત્ર શ્રાવણ માસ રવિવારથી શરૂ થઈ રહ્યો છે ત્યારે મેઘરાજા મન મૂકીને વરસે તેવી લોકો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે. નખત્રાણા, બેરુ, મંગવાણા, જડેશ્વર, મોસુણા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડયાં હોવાના હેવાલ છે. અગાઉના 34 મિ.મી. તેમજ આજના 7 મિ.મી. સાથે મોસમનો કુલ 41 મિ.મી. વરસાદ નોંધાયો હોવાનું મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યું હતું. નેત્રામાં પણ રસ્તા ભીંજાયા હતા. ગાંધીધામ બ્યૂરોના જણાવ્યાનુસાર સંકુલમાં લાંબા અરસાના વિલંબ બાદ મેઘાવી માહોલ સર્જાયો હતો, પરંતુ મેઘરાજા મન મૂકીને ન વરસતાં શહેરીજનોમાં નિરાશા વ્યાપી હતી. ગત રાત્રિથી જ ગાંધીધામ આદિપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રિના થોડો સમય સુધી છાંટા પડયા હતા. પરોઢીયેથી સવારના 8.30 વાગ્યા સુધી સતત ઝરમર સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ઝરમર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો અને ગલીઓ ભીંજાયા હતા. અસહ્ય ગરમીથી નગરજનોને રાહત મળી હતી. આખી સવાર ગગન ગોરંભાયેલું રહ્યું હતું. લાંબા અરસા બાદ મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા બંધાઈ હતી પરંતુ બપોરે વાતાવરણ સૂર્યપ્રકાશિત થતાં આશા ઠગારી નીવડી હતી. મામલતદાર કચેરી સ્થિત કન્ટ્રોલ રૂમમાં માત્ર 3 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. ભુજમાં પણ સવારે રસ્તા ભીંજાયા હતા, પણ બાદમાં સૂર્યનારાયણે દેખા દીધા હતા અને માહોલ વિખેરાઈ ગયો હતો. સંધ્યા ખીલી એ પણ એક આશા જગાવી ગઈ હતી પણ વરસાદ મન મૂકીને ક્યાંય પણ વરસ્યો ન હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer