નર્મદાનાં પાણી મુદ્દે કોંગ્રેસ જનઆંદોલન ચલાવશે

નર્મદાનાં પાણી મુદ્દે કોંગ્રેસ જનઆંદોલન ચલાવશે
ભુજ, તા. 9 : કચ્છ જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના આવકાર પદગ્રહણ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી ભુજ ખાતે ઊમટેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને સંબોધતાં નવનિયુકત પ્રમુખે કચ્છનો સળગતો નર્મદાના પાણીનો કે આરોગ્યની ઊણપ અને ખેતીવાડીનો પ્રશ્ન સત્તાધારી પક્ષ ભાજપ ઉકેલવામાં નિષ્ફળ?છે, ત્યારે તેની સામે આગામી દિવસોમાં વિપક્ષ કોંગ્રેસ જનઆંદોલન ચલાવશે તેવો હુંકાર કર્યો હતો. ભુજના ખીચોખીચ ભરેલા ટાઉનહોલમાં નવા પ્રમુખના અભિવાદન અને વિદાય લેતા પ્રમુખ નરેશ મહેશ્વરીની સેવાઓને બિરદાવવાના કાર્યક્રમમાં મંચ પર કોંગ્રેસના તમામ આગેવાનો એક જોવામાં આવ્યા હતા. કચ્છભરના કોંગ્રેસના નાના-મોટા આગેવાનો, કાર્યકરોએ કરેલા સન્માનનો પ્રત્યુત્તર આપતા પક્ષના 36 વર્ષીય યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડાઇમાં બલિદાન આપી ચૂકેલા શહીદો કોંગ્રેસ પક્ષના હતા. દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા આ કોંગ્રેસ પક્ષના ગૌરવશાળી ઇતિહાસની તેમણે વાત કરી હતી. આંતરિક મતભેદ ભૂલાવી યુવાનો-વડીલોને સાથે રાખી પક્ષની વિચારધારામાં રહીને લોકોના કાર્યો કરવા અને ગેરશિસ્ત આચરનારાઓને પક્ષમાં ક્યાંય સ્થાન નહીં હોય તેવી ચીમકી પણ?આપી હતી. કાર્યકર એક કદમ આગળ આવશે તો પોતે બે કદમ આગળ ચાલશે તેવી ખાતરી શ્રી જાડેજાએ આપી આગામી દિવસોમાં નર્મદાના પાણીમાં થતા અન્યાય અને આરોગ્ય, શિક્ષણ,?ખેતીવાડી, રોજગારી મુદ્દે જનઆંદોલન ચલાવવા હાકલ કરી હતી. સમારોહ પૂર્વે શહેરમાં પક્ષના યુવા કાર્યકરો દીપક ડાંગર, રવિ ડાંગરના નેતૃત્વ હેઠળ બાઇક રેલી રૂપે પક્ષના કાર્યાલયે જઇને કાર્યભાર સંભાળ્યા બાદ સમારોહ સ્થળે જ્યારે આવી ત્યારે શહેરમાં એક આકર્ષણ જમાવ્યું હતું. પદગ્રહણની વિધિ દલિત નગરસેવક માલશી માતંગની તિલકવિધિથી નવતર રીતે કરવામાં આવી હતી. આ પૂર્વે વિદાય લેતા પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ કચ્છના છેવાડાના લોકોના પ્રશ્નો માટે કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી. પ્રદેશના પ્રભારી રહીમભાઇ સોરા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, પ્રદેશની નેતાગીરીએ પહેલી વખત સંગઠનની જવાબદારી યુવા નેતાને સોંપી છે, તેને સ્વીકારી લોકસભાની તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું. અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા રાપર વિભાગના મોવડી ભચુભાઇ આરેઠિયાએ જ્ઞાતિવાદ-જૂથવાદને ભૂલી જવા ભાર મૂક્યો હતો. પ્રદેશમંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તથા નવલસિંહ જાડેજાએ ભૂતકાળની હાર-જીતને ભૂલી કચ્છ પર મંડરાતા દુષ્કાળ સામે નાગરિકોના પ્રશ્નો સાંભળવા લોકોની વચ્ચે રહેવા કહ્યું હતું. જામનગરના પ્રભારી આદમભાઇ ચાકીએ સૌને એક બની બેફામ બનેલા વહીવટી તંત્રનું કાન પકડવાની જરૂર છે એમ કહ્યું હતું. પૂર્વ પ્રમુખ શંકરભાઇ સચદે તથા જિ.પં. વિરોધપક્ષના નેતા વી. કે. હુંબલે જણાવ્યું કે, હવે લોકો પણ પરિવર્તન ઇચ્છે છે. તેની તૈયારીઓ કરવા જણાવ્યું હતું. પ્રારંભમાં જિલ્લાના ઉપપ્રમુખ જયવીરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લાના આગેવાનો ઉષાબેન ઠક્કર, જુમ્માભાઇ રાયમા, શિવજીભાઇ આહીર, કિશોર પિંગોલ, કિશોરસિંહ જાડેજા, સલીમ જત, જુમાભાઇ નોડે, લક્ષ્મીશંકર જોષી, હીરાભાઇ રબારી, શિવદાસભાઇ પટેલ, દેવેન્દ્રસિંહ જેઠવા, રસિક દોશી,  ઇકબાલ મંધરા,  અમીરઅલી લોઢિયા, હઠુભા સોઢા, રાજેન્દ્રસિંહ જાડેજા, કલ્પનાબેન જોષી, ભગીરથસિંહ રાણા, ધર્મેન્દ્ર ગોહિલ, સમીપ જોષી, ભગીરથસિંહ રાણા વગેરેની મંચ પર ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પક્ષના તાલુકા-શહેર, વિવિધ પાંખના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરેમાં ચૂંટાયેલા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ઊમટેલા કાર્યકરોએ નવનિયુકત પ્રમુખને આવકાર આપ્યો હતો. પ્રમુખને આવકારવા માટે ગાંધીધામથી મોટરોના મોટા કાફલાએ ભુજ-ગાંધીધામ માર્ગ પર પણ કોંગ્રેસની ઝંડીઓ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. યુવા કાર્યકરો ભરત ગુપ્તા, સંજય ગાંધી, ચેતન જોષી, રવિ ત્રવાડી, મુસ્તાક હિંગોરજા, પ્રવકતા ગનીભાઇ કુંભાર, ડો. રમેશ ગરવા, ઘનશ્યામ ભાટી, અંજલિ ગોર, રફીક મારા, યશપાલસિંહ જેઠવા, માનસી શાહ વગેરેએ  વ્યવસ્થા સંભાળી હતી. શામજીભાઇ આહીરે સંચાલન, આભારદર્શન ઇલિયાસ ઘાંચીએ કર્યા હતા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ગોવિંદ દનિચા, ભાજપના કે. કે. વણકર સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ પ્રમુખના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer