કારગિલ યુદ્ધમાં શહીદ સૈનિકોને ભુજ મિલિટરી બેન્ડની ધૂન સાથે અંજલિ

કારગિલ યુદ્ધમાં શહીદ સૈનિકોને  ભુજ મિલિટરી બેન્ડની ધૂન સાથે અંજલિ
ભુજ, તા. 9 : કારગિલ યુદ્ધમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કચ્છ જિલ્લાના માજી સૈનિકો તેમજ તેમના પરિવારો દ્વારા ટાઉનહોલના પ્રાંગણમાં યોજાયો હતો. કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ દિલાવરસિંહ બી. જાડેજાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. જેમાં 1999માં પડોશી દગાખોર પાકિસ્તાને અચાનક હુમલો કર્યો, ત્યારે આપણી સેનાના જાંબાઝ જવાનોએ માભોમ ભારત માતાની સરહદ એવા જમ્મુ-કાશ્મીરના કારગિલ વિસ્તારમાં નાપાક દુશ્મન સામે બહાદુરીપૂર્વક દેશની રક્ષા કરતાં શહીદ થયેલા સૈનિક જવાનોને કારગિલ વિજય દિવસે ભુજ મિલિટરી બેન્ડની ધૂન સાથે શ્રદ્ધાંજલિ અપાઇ ત્યારે ઉપસ્થિત દરેક નાગરિકની આંખો ભીની થઇ હતી. `શહીદ સૈનિકો અમર રહો'ના નારા ગુંજી ઊઠયા હતા. વિશેષ ઉપસ્થિત સ્વર્ગીય સૈનિકોના ધર્મપત્નીઓએ જ્યારે કારગિલ યુદ્ધ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારે સમગ્ર વાતાવરણ ગમગીની સાથે `ભારત માતા કી જય'ના નારા ગુંજી ઊઠયા હતા. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ધારાસભ્ય-અબડાસા પી. એમ. જાડેજા, બ્રિગેડિયર સેવાનિવૃત્ત આર. એસ. વશિષ્ઠ, કચ્છ યુનિ.ના કુલપતિ સી. બી. જાડેજા, ખીમજીભાઇ નારાણભાઇ સેંઘાણી, ધનબાઇ ખીમજીભાઇ સેંઘાણી તેમજ સમગ્ર કચ્છના માજી સૈનિકો તથા સ્વ. માજી સૈનિકોના આશ્રિત પરિવારો તેમજ કચ્છના દેશભક્ત લાગણીસભર નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન માજી સૈનિક સંગઠનના જનરલ સેક્રેટરી એવા કારગિલ યુદ્ધ વિજેતા ભરતભાઇ સુથારે કર્યું હતું. વ્યવસ્થા હરદેવસિંહ જાડેજા, ઉમેદસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મીરાંબેન ભટ્ટ તેમજ રાજેશભાઇ જોશીએ સંભાળી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer