ઘાસની ટ્રક આવે ને જથ્થો થોડીવારમાં ખલાસ

ઘાસની ટ્રક આવે ને જથ્થો થોડીવારમાં ખલાસ
નલિયા, તા. 9 : ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં ઘાસચારાની સમસ્યા સર્જાઈ છે. મહેસૂલી તંત્ર દ્વારા નલિયા, કોઠારા, વાયોર, મોથાળા ગામે ઘાસ ડેપો શરૂ કરાયા પણ ઘાસની ટ્રક આવવાની સાથે જ ગણતરીના સયમમાં જ ઘાસનો જથ્થો ખલાસ થઈ જાય છે. સોમવારે આ તમામ ઘાસ ડેપો તળિયાઝાટક થઈ ગયા છે. મહેસૂલ તંત્રે વધુ પંદર ઘાસ ડેપોની દરખાસ્ત કરી છે. જેમાં જખૌ, સુથરી, વાંકુ, રામપર (અ), બેર મોટી, વિંઝાણ, ડુમરા, બિટ્ટા, કૂવા પદ્ધર, તેરા, ગોયલા, રાયધણજર, વાડાપદ્ધર, સણોસરા, વમોટી નાનીનો સમાવેશ થાય છે. તાલુકાના 4 ઘાસ ડેપો નલિયા 7210 કિ.ગ્રા, કોઠારા 7270 કિ.ગ્રા., મોથાળા 3120 કિ.ગ્રા., વાયોર 7090 કિ.ગ્રા. ઘાસના જથ્થાનું વિતરણ કરાયું હોવાનું સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ છે. અબડાસામાં ઘાસના અભાવે અઢી લાખ પશુધનમાં ભૂખમરા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. પૈસા દેતા ચારો મળતો નથી. પ્રતિ મણ (40 કિ.ગ્રા.)ના રૂા. 600ના ભાવથી પણ ચારો મળતો નથી. સુરતથી ખાનગી રાહે આવતું ઘાસ પ્રતિ કિ.ગ્રા. રૂા. 11થી 12ના ભાવથી સ્થાનિકે પહોંચતું થાય છે. આ ભાવથી આવતું ઘાસ ગરીબ અને એકલ-દોકલ માલધારી પશુપાલકને દેખીતી રીતે જ પરવડતું નથી. આવી પરિસ્થિતિ નિર્માણ થતાં ઘણા બધા પશુમાલિકો પોતાના ઢોરોને રસ્તે રઝળતા મૂકી દે છે. આ પશુધન કાગળ, કોથડીઓ અને એઠવાડ ખાઈને પોતાનો ગુજારો કરે છે. ભૂખમરાનાં પગલે મરણનું પ્રમાણ ઢોરોમાં ચાલુ થઈ ગયું છે. વરસાદ ખેંચાવાનાં પગલે સીમતળમાં પાણીના સ્રોત પણ સુકાઈ ગયા છે. તળાવ, તળાવડીઓ, જળાશયો ખાલીખમ છે, તેમાંય સૂસવાટા મારતા પવન દુષ્કાળના ડાકલાની શંકા વધુ મજબૂત બનાવી રહ્યા છે. સરકારે 2 રૂા. કિ. ઘાસ માટે ઘાસની જાહેરાત તો કરી છે, પણ વ્યવસ્થા ન ગોઠવાતાં ઢોરોના માલિકોને પોતાના ઢોરોના નિભાવની સમસ્યા મૂંઝવી રહી છે. આમ તો જ્યારે જ્યારે વરસાદ ખેંચાય અથવા નબળું વર્ષ હોય ત્યારે સ્વૈછિક સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ દ્વારા નીરણ કેન્દ્ર શરૂ કરી ગૌવંશને બચાવવાનું અભિયાન શરૂ થતું હોય છે તેવી આ તાલુકાની પરંપરા રહી છે. પણ ચાલુ વર્ષે ખરા સમયે ઘણીબધી સંસ્થાઓ આ દિશામાં ઝાઝી સક્રિય થઈ નથી. અબડાસાની પાંજરાપોળોને પ્રતિ કિ.ગ્રા.ના રૂા. બેના ભાવથી ઘાસનું વિતરણ કરવાની જાહેરાત પછી રાતા તળાવને 1,28,468 કિ.ગ્રા., તેરાને 6985 કિ.ગ્રા., નલિયાને 53,946 કિ.ગ્રા., કોઠારાને 9945 કિ.ગ્રા., પરજાઉને 15,115 કિ.ગ્રા. ઘાસનો જથ્થો અપાયા પછી ગત 31 જુલાઈ પછી નવો જથ્થો અપાયો નથી. જો કે આ બાબતે સોમવારે નલિયા ખાતે પ્રાંત કચેરીમાં મળેલી બેઠકમાં અબડાસાના પાંજરાપોળના સંચાલકોએ રજૂઆત કરી હતી. સરકારી રાહે પ્રતિ કિ.ગ્રા. રૂા. બેના ભાવથી મળતું ઘાસ દેખીતી રીતે જ માલધારી પશુપાલકને પરવડે છે. 135 મહેસૂલી ગામોમાં 2610 ઘાસ કાર્ડ તો ઈશ્યૂ કરાયાં છે, પણ ઘાસનો કોઈ ડેપોમાં જથ્થો જ નથી. નલિયા ગૌસેવા સમિતિ દ્વારા કેટલાક ગામોમાં નીરણ કેન્દ્ર શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ગૌપ્રેમી  નવીનભાઈ આઈયા અને પઠાઈભાઈ ભાનુશાલી દ્વારા કચ્છી લાલ રામેશ્વર આશ્રમ હરદ્વારના સહયોગથી બાર હજાર કિ.ગ્રા. લીલો ચારો નલિયા ખાતે પહોંચી આવ્યો છે. અમદાવાદથી પ્રતિમણ (40 કિ.ગ્રા.) રૂા. 90થી 100ના ભાવથી ત્યાં મળતો ચારો સ્થાનિકે પહોંચતો થાય તેનું 16,000 રૂા. ભાડું થાય છે, જેનું ભાડું ગૌસેવા સમિતિ નલિયા દ્વારા ચૂકવાશે તેવું સમિતિના હરેશ આઈયાએ જણાવ્યું હતું. ખાસ કરીને આ ચારાનું વિતરણ રખડતા-ભટકતા ઢોરોને કેટલાક ગામોમાં કરાશે. નલિયા ખાતે વી.આર.ટી.આઈ. કેમ્પસમાં ચારાનો સ્ટોક રાખી ત્યાંથી ગામડાઓમાં વિતરિત કરાશે તેવું જણાવ્યું હતું. દરમ્યાન અબડાસાનાં ઘાસ ડેપો પર 1-1 ગાડી ઘાસની આવક શરૂ થઈ છે, પણ વજન કર્યા વગરનું ઘાસ અપાય છે. ગાંસડીનું વજન 50થી 60 કિલો હોય છે, પણ 70થી 80 કિ. હોવાનું જણાવી તે મુજબ પૈસા વસૂલ કરાય છે તેવી ફરિયાદ ઊઠવા પામી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer