`કલ્પસર'' માટે સામૂહિક પ્રયાસો પર જોર

`કલ્પસર'' માટે સામૂહિક પ્રયાસો પર જોર
ભુજ, તા. 9 : નર્મદા યોજનાનાં સિંચાઈનાં પાણી કચ્છ સુધી માત્ર રાપર તાલુકામાં જ પહોંચ્યાં છે અને વરસાદ ખેંચાતાં સરદાર સરોવરમાં પણ જળરાશિ ઓછી હોવાથી કચ્છ સહિત સમસ્ત ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે જ નર્મદા સિવાયના એક બહુ જ મહત્ત્વાકાંક્ષી એવા કલ્પસર પ્રકલ્પની શા માટે અવગણના કરાય છે તેવા પ્રશ્ન સાથે આ યોજનાને કચ્છ સહિત સમગ્ર ગુજરાતના હિતમાં તાકીદે કાર્યાન્વિત કરવામાં આવે તેવી માંગ સાથે એક બિનરાજકીય છતાં મક્કમ જુવાળ ઊભો કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ યોજનાની તરફેણમાં લોકજુવાળ જાગે અને સરકાર એના અમલીકરણ તરફ આપોઆપ આગળ વધે તેવા વ્યૂહ સાથે વડોદરાના માર્ગીય સ્મિત સ્વામી તથા વીનુભાઈ માંડવિયા આગળ વધી રહ્યા છે. કચ્છના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા વડોદરા નિવાસી અને નર્મદા કાંઠાના તથા આદિવાસી વિસ્તારોમાં આશ્રમ શાળાઓ સાથે સંકળાયેલા માર્ગીય સ્મિત સ્વામીએ કચ્છમિત્રને જણાવ્યું હતું કે, આ આખી યોજનાનો ક્યાંય વિરોધ નથી. એક પણ પ્રતિવાદી નથી, 2 લાખ હેક્ટર જમીન નવસાધ્ય થવાની છે અને ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાઓને તથા વધારામાં કચ્છને તેનો લાભ મળવાનો છે છતાં ઉપેક્ષા થાય છે તે અયોગ્ય છે. ગુજરાતની નર્મદા યોજના પછીની બીજી ખૂબ જ મહત્ત્વની ગણાતી `કલ્પસર' યોજના એટલે ખંભાતના અખાતમાં પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડતો બહુલક્ષી બંધ. આ યોજનામાં 30 કિ.મી. લંબાઈના બંધ બનાવી નર્મદા, મહી, ઢાઢર, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના અંદાજે 770 કરોડ ઘનમીટર આવરાના પાણી સંગ્રહ કરવાનું એક અત્યંત મહત્ત્વકાંક્ષી આયોજન છે અને વાત ઠેઠ 1962થી ચાલી આવે છે. સરકારના દરેક બજેટમાં કલ્પસર યોજના માટે નાણાં ફાળવણી થાય છે પણ ભાડભુત ખાતે બેરેજને બાદ કરતાં હજુ નક્કર આયોજન ઘડાયું નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે જેના માટે ચાર હજાર કરોડની ફાળવણી કરી એ ભરૂચ જિલ્લાનાં ભાડભુત ખાતે બેરેજ બનાવી ડાયવર્ઝન કેનાલ દ્વારા નર્મદા નદીનાં પાણીને યોજનાના જળાશયોમાં વાળવાનું આયોજન છે. આ યોજના દ્વારા સિંચાઈ માટે 650 કરોડ ઘનમીટર પાણી સૌરાષ્ટ્ર-કચ્છને 11 લાખ હેક્ટરથી વધુમાં ઉપલબ્ધ થશે. 30 હજાર કરોડના ખર્ચવાળી આ યોજના છેલ્લા અંદાજપત્રમાં 55,000થી 60 હજાર કરોડની થઈ છે અને ફાળવાયા છે માત્ર 110 કરોડ. કલ્પસર સહયોગ સમિતિના સદસ્ય એવા માર્ગીય સ્મિત સ્વામી કહે છે કે કુલ 21 અભ્યાસ પૂર્ણ થયા છે, 10 અભ્યાસ પ્રગતિમાં છે, 19 અભ્યાસ ડિસેમ્બર 2019 સુધીમાં પૂર્ણ થવાના છે. ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચે જળમાર્ગે પરિવહન શરૂ થશે, 136 કિ.મી.નું અંતર ઘટશે. મૂળ કચ્છના સુરત સ્થિત ભવાનભાઈ જાદવાણી તથા મનોજભાઈ સોલંકી સાથે રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer