વનમહોત્સવની ઉજવણી વચ્ચે મુંદરામાં વર્ષો જૂના લીમડાનો સોથ

વનમહોત્સવની ઉજવણી વચ્ચે  મુંદરામાં વર્ષો જૂના લીમડાનો સોથ
મુંદરા, તા. 9 : વરસાદના ઠેકાણા નથી, સ્વૈચ્છિક સંસ્થા અને સરકાર વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવી રહી છે એની વચ્ચે દાયકાઓ જૂના લીમડાના વૃક્ષને કુહાડીના ઘા મારી જમીનદોસ્ત કરી નાખવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. આજે સી.કે.એમ. કન્યાવિદ્યાલયની બહારના જાહેર ધોરી માર્ગ ઉપર આવેલ લીમડાના જૂના ઝાડને કોઇ જાણીતી પણ અત્યાર સુધી પાધરી ન થયેલી વ્યક્તિએ શ્રમિકો રોકીને કાપી નાખ્યું છે. બનાવ બાદ પ્રાંત અધિકારી અને વનતંત્રના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને પંચનામા સહિતની કામગીરી કરી હતી. ઝાડનો મોટાભાગનો હિસ્સો કાપી નાખવામાં આવ્યો છે જ્યારે થોડો ભાગ તક મળતાં કાપી નાખવામાં આવશે તેવું વર્તુળોએ જણાવ્યું હતું. ગઇકાલ બપોરથી ઝાડ કાપવાની શરૂઆત કરવામાં આવી હતી જે આજે બપોર સુધી ચાલુ રહી તે દરમ્યાન કોઇ વ્યક્તિએ તંત્રનું ધ્યાન દોર્યું ન હતું. નોંધપાત્ર વિગત એ છે કે કપાયેલું ઝાડ કોઇની સ્થાવર મિલકત કે ટ્રાફિકને અડચણરૂપ પણ ન હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer