આદિપુરમાં હઝરત મોહંમદ રઝાખાનના પ્રદાનોને યાદ કરાયા

આદિપુરમાં હઝરત મોહંમદ રઝાખાનના પ્રદાનોને યાદ કરાયા
ગાંધીધામ, તા. 9 : આદિપુર ખાતે હઝરત અલ્લામા મુફ્તી મોહંમદ રઝાખાન ઉર્ફે અઝહરી મિયાં (રહમતુલ્લાહ અલયહે)ની યાદમાં તાઝીયની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અહમદ રઝાખાન પરિવારની સુન્નીયતના રક્ષણ માટે કુરબાની અને દીની સેવાઓ યાદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ મૌલાના સૈયદ અલહાજ સલીમ અહેમદ કાદરીએ જણાવ્યું હતું કે, તાજૂરશરીયહ અઝહરી મીયાં રહમતુલ્લાહ અલયહેનો પિતૃ પક્ષે તથા માતૃ પક્ષે ચોથી પેઢીએ આલા હઝરત સાથે મળે છે. તેમનું પાલન પોષણ ઉચ્ચ આધ્યાત્મિક દરજ્જો ધરાવતા પરિવારમાં થયું છે. આલા હઝરતના દાદા રઝાઅલી ખાન પોતાના સમયના વરિષ્ઠ આલિમ હતા તેમજ તેમણે દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857માં ભાગ લીધો હતો. મુકરીરે ખાસ શૈખુલહુદીસ અલહાજ શોએબઅલી અકબરીએ જણાવ્યું હતું કે, અઝહરી મિયાં રહમતુલ્લાહ અલયહે ઈલ્મે દીનમાં ઘણી જ મહારત રાખતા હતા. યુવા અવસ્થામાં તેમની આ પ્રતિભા જોઈ તેમને જામ્આ અલ અઝહરી (ઈજિપ્ત)માં તખસ્સુસે તકસીર અને હદીસના ખાસ કોર્સ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા હતા. તેમને ફખ્રે અઝહર (વિશેષ સન્માન) ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અલ નાસીરના હસ્તે આપવામાં આવ્યું હતું. તેમના અવસાન પર એક આલિમની મોતને એક આલમની મોત હોવાનું કહ્યું હતું. સૈયદ અલહાજ સલીમબાપુ (વિંઝાણવાળા)એ કહ્યું હતું કે, અંગ્રેજોના શાસનમાં જ્યારે કોમો વચ્ચે ફૂટ પડાવવામાં આવી રહી હતી ત્યારે મુસ્લિમોમાં પણ ફૂટ પડાવવામાં આવી રહી હતી. આ સમયે આલા હઝરત રહમતુલ્લાહ અલયહે અને તેમના ઉત્તરાધિકારીઓએ સુન્નીયતનું રક્ષણ કર્યું છે. અઝહરી મિયાં સાદગીભર્યું જીવન ગુજારી રહ્યા હતા પરંતુ તેમના અવસાન બાદ નમાઝે જનાઝામાં સ્વયંભૂ લોકો ઊમટી પડયા ત્યારે લોકોને તેમની મહાનતાની જાણ થઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુર્આન મજીદથી મૌલાના શૌકતઅલી અકબરીએ કર્યો હતો. અઝહરી મિયાં દ્વારા લખાયેલું ન્યાત શરીફ મૌલાના મુબારકે પઢ્યું હતું. સંચાલન મનકબન મૌલાના હાજી ઈસ્માઈલ પઢિયારે કર્યું હતું. આયોજકો તરીકે ખત્રી હાજુ યુસુફ હસન, ખત્રી હાજી રિયાઝ યુસુફ, ખત્રી જાવેદ અબુબકરે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સાદાત કિરામ, ઉલમાએ કિરામ અને સામાજિક અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer